સચિન જીઆઈડીસીમાં નર્સિંગ હોમ ચલાવતા તબીબ દંપતી સાથે દર્દીએ ડોલર વટાવી આપવાના નામે છેતરપિંડી કરી છે. નર્સિંગ હોમમાં સારવાર માટે આવતી મહિલાએ તબીબને ડોલર વટાવી આપવા આપ્યા બાદ વધુ ડોલર હોવાનું કહ્યું હતું. ડોક્ટર દંપતીએ ડોલર વટાવી આપ્યા બાદ આરોપીએ વિશ્વાસમાં લઈ બે લાખ રૂપિયાના ડોલર આપવા હોડી બંગ્લા ત્રણ રસ્તા પર બોલાવ્યા હતાં. જ્યાં ડોક્ટરને થેલીમાં છાપાની પસ્તી આપી દઈને બે લાખ રૂપિયા લઈ નાસી જઈ છેતરપિંડી કરી હતી. હાલ સમગ્ર મામલે લાલગેટ પોલીસ વધુ તપાસ કરી રહી છે. સચિન જીઆઈડીસી નાકા, આશિષ હોટલની પાછળ આવેલી બાપા સિતારામ સોસાયટીમાં રહેતા ડો. મનીકા કડાકીયા અને નિશિદ કડાકીયા નર્સિંગ હોમ ચલાવે છે. જ્યાં રેશ્મા નામની આરોપી સારવાર કરાવવા આવતી હતી. રેશ્માએ સારવાર દરમિયાન ડોક્ટરને કહ્યું કે મારી પાસે ડોલર છે. જે મને વટાવી આપશો. જેથી ડોક્ટરે પોતાના પતિને ડોલર વટાવી આપવા વાત કરી હતી. ડોક્ટરે રેશ્માને હા પાડતા રેશ્મા ડોલર આપી ગઈ હતી. જે ડોક્ટરના પતિએ ડોલર વટાવી આપ્યા હતાં.