વહેલી સવારે સી.ટી. પોલીસ મથકે ફરીયાદ કરવા ગયેલા ફરીયાદીને સવારે ૧૦ઃ૦૦ વાગ્યા પછી ફરીયાદ કરવા આવજો કહ્યું

વલસાડના તીથલ ગામમાં ગતરાત્રે બે ઠેકાણે ઘરના સભ્યોની હાજરીમાં ચોરટાઓએ ઘરમાં ઘુસી સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવને પગલે તીથલ ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ સાથે આશ્ચર્યની વાત એ હતી કે વહેલી સવારે સી.ટી. પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા ગયેલા ફરીયાદીને સવારે ૧૦ઃ૦૦ વાગ્યા બાદ ફરીયાદ નોંધાવવા આવવાનું જણાવ્યું હતું. જેને લઇને પ્રજાને હવે પોલીસ તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના તીથલ ગામમાં તળાવ ફળીયામાં રહેતા સોહિલ હસમુખભાઇ પટેલ તેમના પરિવાર સાથે આગળના રૂમમાં સુતા હતા. તે દરમ્યાન મોડી રાત્રે કોઇ ચોર ઇસમોએ આવી તેમના બેડરૂમની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા મળી આશરે ૨.૫૦ લાખની મત્તાની ચોરી કરી હતી. આ સાથે તીથલ ગામમાં બીજા ઠેકાણે આર્શીવાદ નગર બંગલા નંબરઃ- ૩ સાંઇબાબા રોડ પાસે રહેતા દિલીપભાઇ નરસિંહભાઇ પટેલ તેઓ તેમના મકાનમાં ઉપરના રૂમમાં પરિવારજનો સાથે સુતા હતા તે દરમ્યાન મોડી રાત્રે ચોર ઇસમે આવી આગળના રૂમની બારી ખોલી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા રોકડ રૂપિયા ૯૫,૦૦૦ તથા આશરે ત્રણ તોલા સોનું જેની કિંમત આશરે ૭૦,૦૦૦ મળી કુલ્લે રૂપિયા ૧,૬૫,૦૦૦ ની મત્તાની ચોરી થયાની જાણ કરી હતી. આ સાથે તીથલ ગામમાં બીજા બે જગ્યાએ બંધ મકાનના તાળા તુટ્યા હતા. પરંતુ તેમાંથી કોઇ વસ્તુ ચોરાઇ ન હતી. આ અંગે વલસાડ સી.ટી. પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. આગળની તપાસ પોલીસ કરી રહી છે.