આશા ભોસલેની અંતિમ વિદાય: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર, દિગ્ગજોએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ
ભારતીય સંગીત જગતની સુરીલી ઓળખ અને લાખો દિલો પર રાજ કરનાર આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અનેક અંગો કામ કરતા બંધ થઈ જવાને કારણે (મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોર) રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે, 13 એપ્રિલ 2026ના રોજ મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
અંતિમ પળો અને પરિવારની વ્યથા
આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતપ્રેમીઓમાં શોકની લહેર દોડી ગઈ હતી. તેમની પૌત્રી જનાઈ ભોસલેએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, નિધનના એક દિવસ પહેલા તેમને છાતીમાં ઈન્ફેક્શન અને ભારે થાક જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોસલેએ મીડિયાને જણાવ્યું કે, આશાજીનો પાર્થિવ દેહ લોકોના અંતિમ દર્શન માટે તેમના લોઅર પરેલ સ્થિત નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડે’ ખાતે રાખવામાં આવ્યો છે.
પાર્થિવ દેહને તિરંગામાં લપેટાયો: રાજકીય સન્માનની તૈયારીઓ
પદ્મ વિભૂષણથી સન્માનિત આશા ભોસલેએ દેશનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે, તેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય લેવાયો છે. તેમના નિવાસસ્થાને જ્યારે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો, ત્યારે તેમને રાષ્ટ્રધ્વજ તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસની એક ટુકડી ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપવા માટે સજ્જ થઈ ગઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
બોલિવૂડ અને ખેલ જગતના સિતારાઓ ઉમટ્યા
આશાજીને અંતિમ વિદાય આપવા માટે આખું બોલિવૂડ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો તેમના ઘરે પહોંચી રહ્યા છે:
સચિન તેંડુલકર: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર તેમની પત્ની અંજલિ તેંડુલકર સાથે આશાજીના ઘરે પહોંચ્યા હતા. સચિન અને આશાજી વચ્ચે વર્ષો જૂનો સ્નેહનો સંબંધ હતો.
એ.આર. રહેમાન: ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન અત્યંત દુઃખી હાલતમાં જોવા મળ્યા હતા. તેમણે આશાજીના પુત્ર આનંદ ભોસલે સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.
વિદ્યા બાલન અને ઉર્મિલા માતોંડકર: બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન અને ઉર્મિલા માતોંડકર પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. બંને અભિનેત્રીઓ આશાજીના જવાથી અત્યંત ભાવુક દેખાતી હતી.
View this post on Instagram
જેકી શ્રોફ અને રિતેશ દેશમુખ: અભિનેતા જેકી શ્રોફ નમ આંખે પેપ્સને નમસ્તે કરીને અંદર ગયા હતા. જ્યારે રિતેશ દેશમુખે જનાઈ ભોસલે અને પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને મુશ્કેલ સમયમાં હિંમત આપી હતી.
મંગલ પ્રભાત લોઢા: રિયલ એસ્ટેટ ટાયકૂન અને રાજનેતા મંગલ પ્રભાત લોઢા પણ કડક સુરક્ષા વચ્ચે મહાન ગાયિકાને નમન કરવા પહોંચ્યા હતા.
શિવાજી પાર્ક ખાતે થશે અંતિમ સંસ્કાર
આજે બપોરે 2 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા શરૂ થશે. આનંદ ભોસલેના જણાવ્યા અનુસાર, સાંજે 4 વાગ્યે દાદરના શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ એ જ જગ્યા છે જ્યાં લતા મંગેશકરના પણ અંતિમ સંસ્કાર થયા હતા. બહેન લતા દીદી બાદ હવે આશાજીની વિદાયથી ‘મંગેશકર પરિવાર’ અને ભારતીય સંગીતના એક યુગનો અંત આવ્યો છે.
View this post on Instagram
ચાહકોની ભીડ અને સુરક્ષા વ્યવસ્થા
દાદર અને શિવાજી પાર્ક વિસ્તારમાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા છે. પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી સામાન્ય જનતા પણ પોતાની પ્રિય ગાયિકાના અંતિમ દર્શન કરી શકે. લોકો રસ્તાઓ પર ઉભા રહીને “આશાજી અમર રહો” ના નારા લગાવી રહ્યા છે.
