ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી: ‘જો અમારા બંદરો જોખમમાં મુકાશે, તો ખાડીનું એક પણ બંદર સુરક્ષિત નહીં રહે’
મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના સૈન્ય પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાનની દરિયાઈ સુરક્ષા સાથે ચેડા કરવામાં આવશે, તો તેની અસર સમગ્ર પ્રદેશ પર પડશે અને પર્સિયન ગલ્ફ કે ઓમાનના અખાતમાં આવેલું એક પણ બંદર સલામત રહેશે નહીં.
સામૂહિક સુરક્ષાની હિમાયત અને ઈરાનનો ઈશારો
ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા ‘સામૂહિક’ (Collective) હોવી જોઈએ. ઈરાનનો તર્ક છે કે જો એક દેશના બંદરો અને વેપારને નિશાન બનાવવામાં આવે, તો તે પ્રદેશના અન્ય દેશો પણ તેનાથી બચી શકશે નહીં. ઈરાને પાડોશી દેશોને સાવધ કરતા કહ્યું છે કે કોઈપણ ઉશ્કેરણીજનક પગલાની ‘રિપલ ઈફેક્ટ’ (Ripple Effect) એટલે કે ચેઈન રિએક્શન આખા પડોશમાં જોવા મળશે.
અમેરિકાની નાકાબંધી: સમય અને સીમા
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જાહેરાત કરી છે કે સોમવારે ઈરાની સમય મુજબ સાંજે 5:30 વાગ્યાથી ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોની નાકાબંધી શરૂ કરવામાં આવશે. આ નાકાબંધી તમામ દેશોના જહાજો પર સમાન રીતે લાગુ પડશે જે ઈરાની બંદરોમાં પ્રવેશ કરશે અથવા ત્યાંથી બહાર નીકળશે.
જોકે, અમેરિકાએ એક નાની રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે જે જહાજો ઈરાન સિવાયના અન્ય દેશોના બંદરો વચ્ચે મુસાફરી કરી રહ્યા છે, તેમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે. અગાઉ સમગ્ર જળમાર્ગને બંધ કરવાની યોજના હતી, જેમાંથી અમેરિકાએ હાલમાં એક ડગલું પાછળ ખેંચ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ: ‘નરકમાં મોકલી દઈશું’
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકી દળો આંતરરાષ્ટ્રીય જળસીમામાં એવા તમામ જહાજોને અટકાવશે જેમણે ઈરાનને કોઈપણ પ્રકારનો ‘ટોલ’ (Tax) ચૂકવ્યો હશે. ટ્રમ્પે લખ્યું, “જે કોઈ પણ ગેરકાયદેસર ટોલ ચૂકવશે, તેને સમુદ્રમાં સુરક્ષિત રસ્તો મળશે નહીં.”
ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા ઉમેર્યું કે, “જો કોઈ પણ ઈરાની અમારા પર કે શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તો તેમને નરકમાં મોકલી દેવામાં આવશે (BLOWN TO HELL!).” વધુમાં, અમેરિકી નૌકાદળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન દ્વારા બિછાવેલી સમુદ્રી સુરંગો (Mines) ને હટાવવાનું કામ પણ શરૂ કરશે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ‘ચોકપોઈન્ટ’ છે, જ્યાંથી વિશ્વના કુલ ઉર્જા પુરવઠાનો લગભગ 20% હિસ્સો પસાર થાય છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી લાંબી સીઝફાયર વાટાઘાટો કોઈ પરિણામ વિના સમાપ્ત થયા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. નાકાબંધીની જાહેરાતને કારણે સમુદ્રી માર્ગે થતા વેપારમાં ફરી એકવાર અવરોધ આવ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

