નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13 મી સીઝનની શરૂઆત પહેલા તમામ ટીમોને મોટી રાહત મળી છે. યુએઈ પહોંચ્યા બાદ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ 6 દિવસ સુધી ક્વોરેન્ટીન રહેવું પડશે નહીં. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટીમોની માંગને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને માત્ર 36 કલાક માટે જ ક્વોરેન્ટીન રહેવાની મંજૂરી આપી દીધી છે.
ફ્રેન્ચાઇઝી ટીમો કે જેની પાસે ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે તે બધા મર્યાદિત ઓવરની શ્રેણી રમીને યુકેથી પરત ફર્યા છે. યુએઈમાં કોઈપણ ખેલાડીના આગમન પર 6 દિવસ ક્વોરેન્ટીન રહેવાનો નિયમ લાગુ છે. પરંતુ અહેવાલો અનુસાર, સૌરવ ગાંગુલીએ આ મુદ્દાનું સમાધાન શોધી કાઢ્યું છે.
આઇપીએલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘હા, હું પુષ્ટિ આપી શકું છું કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના તમામ 21 ખેલાડીઓને છ દિવસને બદલે 36 કલાક માટે ક્વોરેન્ટીન કરવામાં આવશે. આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને મોટાભાગની ટીમોના ટોચના ખેલાડીઓ પહેલી મેચથી જ ઉપલબ્ધ થશે.
17 સપ્ટેમ્બર, ગુરુવારે મોડી રાત્રે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, જોફ્રા આર્ચર અને જોસ બટલર જેવા ખેલાડીઓ યુએઈ પહોંચ્યા હતા. યુએઈ પહોંચ્યા પછી, તમામ 21 ખેલાડીઓનો કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, ટીમમાં જોડાતા પહેલા, ખેલાડીઓએ કોરોના વાયરસ ટેસ્ટમાં બે વખત નેગેટિવ આવવું જરૂરી છે.