નવી દિલ્હી : ફેસબુક (Facebook) સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. ફરી એકવાર ફેસબુકને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ યુઝરોની જાસૂસી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ન્યુ જર્સીના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ફેસબુક પર દાવો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે કંપની મંજૂરી વગર ઇન્સ્ટાગ્રામ યુઝર્સના ફોન કેમેરા એક્સેસ કરે છે. જ્યારે કેમેરાનો ઉપયોગ પણ તે સમયે વપરાશકર્તા દ્વારા કરવામાં આવતો નથી. કંપની ડેટા એકત્રિત કરવા માટે આ કરે છે. તમને જણાવી દઇએ કે સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં આ મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે આ કેસ આ વર્ષે જુલાઇના રિપોર્ટ સાથે સંબંધિત છે, જેમાં ફેસબુક પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફેસબુકની માલિકીની ઇન્સ્ટાગ્રામ ઉપયોગમાં ન હોવા છતાં પણ આઇફોનનાં કેમેરાને એક્સેસ કરે છે. જો કે, ફેસબુકે આ આરોપને નકારી કાઢતા કહ્યું હતું કે, તે એપ્લિકેશનમાં ભૂલ હોવાને કારણે છે જેણે કથિત રૂપે વપરાશકર્તાઓને ખોટી સૂચના આપી હતી.
ફેસબુક દિવસેને દિવસે નવા વિવાદોમાં ફસાય છે. ગયા મહિને જ ફેસબુક સામે કેસ નોંધાયો હતો. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપની 100 મિલિયન ઇન્સ્ટાગ્રામ યુઝર્સના બાયોમેટ્રિક ડેટાને અયોગ્ય રીતે ચોરી કરવા માટે ચહેરાના ઓળખાણ તકનીક (ફેશિયલ રિકોગ્નીશન ટેક્નોલોજી)નો ઉપયોગ કરે છે.
આ આરોપ પણ કંપનીએ નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ કોઈ પણ ફેશિયલ રિકોગ્નીશન ટેક્નોલોજીનો ઉપયોગ કરતું નથી.