શહેરમાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
અમદાવાદ શહેરમાં સતત વરસતા વરસાદને કારણે શહેરી વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને પગલે શહેરી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેવાસીઓ ઘરની બહાર પણ ન નીકળી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાલી કરાવવું પડ્યું
શહેરમાં રસ્તાઓ પરથી પાણી ઓસરતું ન હોવાથી અને ઉપરવાસમાંથી પણ સતત પાણીની આવક જતાં વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો છે. વાસણા બેરેજનું જળસ્તર ૧૨૫ ફૂટ પર પહોંચતા તંત્રએ સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે. પાણી છોડ્યા વિના શહેરમાંથી ભરાયેલું પાણી ઓસરી શકે તેમ નથી, એ કારણસર બેરેજમાંથી લગભગ ૩ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
પૂર્વ વિસ્તારમાં વધુ પાણી ભરાવ અને ટ્રાફિકજામ
શહેરના પૂર્વ ભાગમાં સૌથી વધુ પાણી ભરાવ જોવા મળ્યો છે. ઓઢવ સર્કલ તથા રીંગરોડ જેવા વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી.
નિકોલ અને ગોતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી
નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ તથા ગોતાના વૃંદાવન હાઈટ્સ નજીકના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મધુમાલતી આવાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે ગોતા વંદે માતરમથી જગતપુર જતા રસ્તા પર લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.
શહેરમાં અત્યાર સુધી સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય છતાં, પાણી ઓસર્યા નથી. વરસાદ માત્ર કુદરતી આપત્તિ નહીં, પરંતુ શહેરી આયોજનની ખામી પણ ખુલ્લી પાડે છે. તંત્રે તાત્કાલિક રાહત અને નિકાલના પ્રયાસો શરૂ કર્યા છે, છતાં પાણી ઓસરવા માટે હજુ સમય લાગી શકે છે.
ભવિષ્યના દિવસોમાં વધુ વરસાદની આગાહી જોતાં લોકોમાં ભયનો માહોલ છે. તંત્રએ લોકોને નીચે વિસ્તારોમાં ન રહેવા અને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરી છે.