રાજ્યમાં આવેલી રક્ષા યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. જે અંગેનું બિલ લોકસભામાં પાસ થયુ છે. આ મામલે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, આ બિલના માધ્યમથી ગુજરાતના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે. આની સાથે જ RSUને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે.
RSUને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો પણ દરજ્જો આપવામાં આવ્યો
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે, પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાઈ રહ્યો છે. પ્રદીપસિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, આ બિલના કારણે રક્ષા શક્તિ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળતા રાજ્યમાં શિક્ષણની વ્યાપક તકો ઉપલબ્ધ બનશે અને યુવાઓને રોજગારી તકો વધુ માત્રામાં પ્રાપ્ત થશે.
એક શૈક્ષણિક સંસ્થાને અપાયો આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો
છેલ્લા દસ વર્ષમાં યુનિવર્સિટીમાં સ્ટેટ ઓફ ધી આર્ટ ઈન્ફાસ્ટ્રકચરથી લઈને વિશ્વ સ્તરીય શૈક્ષણિક અભ્યાસક્રમો ભણાવવા સારૂ હેતુ અદ્યતન વૈજ્ઞાનિક ઉપકરણો પૂરા પાડવા જેવા અનેક કાર્યો માટે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત તેમની પછી રાજ્યને સેવા આપનાર દરેક મુખ્યમંત્રીએ સંપૂર્ણ સહકાર પૂરો પાડ્યો છે. આવા અથાગ પરિશ્રમ ના જ ફળરૂપે આજે રક્ષા શકિત યુનિવર્સિટી એ એક કેન્દ્રીય યુનિવર્સિટી અને ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ’ બનવા જઈ રહ્યું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.