યંગસ્ટર્સમાં ઇયરફોનનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઓફિસમાં કામ કરતી વખતે, ભણતી વખતે અથવા અન્ય કોઇપણ કામ કરતી વખતે યુવાનોના કાનમાં ઇયરફોન ભરાયેલા જોવા મળે છે. મોટાભાગના લોકો તેને ગળામાં પણ પહેરીને રાખે છે. જો તમને પણ ઇયરફોન પહેરીને કલાકો સુધી ગીતો સાંભળવા અથવા મૂવી જોવાની ટેવ હોય તો ચેતી જજો. જો તમે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરતા હો તો તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે.
- સતત ઉપયોગ કરવાનું ટાળો: જો તમારે ઇયરફોન લગાવીને કલાકો સુધી કામ કરવું પડતું હોય તો દર કલાકે 5-10 મિનિટ માટે તેને કાઢી લો અને કાનને આરામ આપો. કલાકો સુધી સતત તેનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે.
- સેનિટાઈઝ કર્યા પછી વાપરો: આજકાલ માર્કેટમાં જે ઇયરફોન્સ આવી રહ્યા છે તે કાનમાં ઉંડા ઉતરી જતા હોય છે. જો તેને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ચેપનું જોખમ વધી શકે છે. તેથી, તેનો ઉપયોગ કરતા પહેલાં સેનિટાઇઝરથી ઇયરફોન સાફ કરવાનું ભૂલશો નહીં.
- વોલ્યુમ ફક્ત 40% રાખો: ઇયરફોનમાં મોટા અવાજમાં સંગીત સાંભળવું કાનને નુકસાન પહોંચાડે છે અને સાંભળવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. જો ઇયરફોનનો ઉપયોગ કરી રહ્યાં હો તો ગેજેટનો વોલ્યુમ 40% સુધી રાખો.
- ક્યારેક-ક્યારેક સ્પીકરનો ઉપયોગ કરો: જો નોકરી એવી હોય કે ઓફિસ પછી પણ ફોન પર વાત કરવી જરૂરી હોય તો કાનમાં ઇયરફોન કે મોબાઈલ ફોનથી વાત કરવાને બદલે મોબાઇલ પર સ્પીકર ચાલુ રાખીને વાત કરો.