દેશમાં અત્યાર સુધી જેટલા પણ મોત કોરોનાથી થયા છે તેનાથી વધારે રેબીઝ (હડકવા) થી થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, કૂતરાના કરડવાથી થતો રોગ એટલે હડકવા જેનાથી છેલ્લા 5 વર્ષમાં 1 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો ભારતનો છે. વિશ્વભરમાં હડકવાને લીધે જેટલા પણ મોત થયા છે તેમાંથી 35 ટકા મોત ભારતમાં થયાં છે. આજે વર્લ્ડ રેબીઝ ડે છે. તેને ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચરની ડેથ એનિવર્સરીના પ્રસંગે મનાવવામાં આવે છે. લુઈસે હડકવાની રસી શોધી હતી અને દર વર્ષે લોકોને હડકવા પ્રત્યે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કેવી રીતે ફેલાય છે હડકવા
કૂતરાના કરડવાથી હડકવાના વાઈરસ મનુષ્યમાં પ્રવેશ કરે છે. સંક્રમણ થયા બાદ, તાવ, માથામાં દુખાલો, ઉલ્ટી, મોંમાંથી લાળ નીકળવી જેવા લક્ષણો દેખાય છે. હડકવાના વાઈરસ માત્ર કૂતરા દ્વારા જ નહીં પરંતુ બિલાડી, બકરી, ઘોડાઓ અને ગાયથી પણ ફેલાય છે.
જ્યારે કૂતરું કરડે ત્યારે શું કરવું
- કૂતરું કરડ્યા બાદ તેની આસપાસ તેનો માલિક હોય તો તેને પૂછો કે શું કૂતરાને રસી આપવામાં આવી છે કે નહીં.
- ઘા ને સાબુ અને પાણીથી સાફ કરો.
- ઘા પર ટાંકા ન લેવા અને તેના પર એન્ટિ-માઇક્રોબિયલ લોશન લગાડો નહીં.
- એન્ટિ-રેબીઝ સીરમ ત્યારે લેવી જ્યારે કરોડરજ્જુ અથવા ગળા પર કૂતરું કરડ્યું હોય.
- કૂતરું કરડે તો વેક્સીન લેવામાં વધારે મોડુ કરશો નહીં.
શું ન કરવું
- ઘણા લોકો ઘાના ભાગમાં ગાયના છાણનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે, આવું બિલકુલ ન કરો.
- ઘા થયા બાદ લોકો એક અઠવાડિયા સુધી નહાવાનું ટાળે છે, જો કે આ એક ગેરમાન્યતા છે
- ઘાના ભાગ પર હળદર, મીઠું અથવા ઘી ન લગાવો. સીધા ડોક્ટરનો સંપર્ક કરો.