રાઈડ્સ માટે હવે ૫ રૂપિયા વધારે ચૂકવવા પડશે
જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ શહેરમાં યોજાતો લોકમેળો માત્ર ભક્તિ અને ઉત્સાહનો નહીં પણ મોજમસ્તીનું કેન્દ્ર છે. દરેક વર્ષની જેમ આ વખતે પણ લોકો ચકડોળે ચડી ઝૂમવાનો આનંદ માણી શકશે, પરંતુ આ ખુશીની સાથે થોડી સીધી વાત એ છે કે, આ વર્ષે યાંત્રિક રાઈડ માટે લોકો ને ૫ રૂપિયા વધારે ચૂકવવા પડશે.
ટિકિટ હવે ૪૫ નહીં પણ ૫૦ રૂપિયા
હમણાં સુધી લોકો રાઈડ માટે ૪૫ રૂપિયા ચૂકવતા હતા. પરંતુ રાઈડ સંચાલકો અને વહીવટી તંત્ર વચ્ચેના વાતચીત બાદ ટિકિટના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે રાઈડ પર ચડવા માટે લોકો ને ૫૦ રૂપિયા આપવા પડશે. રાઈડ સંચાલકોનું કહેવું છે કે ગત વર્ષની નુકસાનીને ધ્યાનમાં રાખીને આ નક્કી કરવામાં આવ્યું છે.
મેળા વિશે ઘણાં વિવાદો ઉભા થયા હતા. ખાસ કરીને રાઈડના નિયમો અને સુરક્ષા વ્યવસ્થાને લઈ ચર્ચા ચાલી હતી. મોટા રાઈડ માટેની એસ.ઓ.પી. (પ્રમાણભૂત કામગીરી પ્રક્રિયા) અંગે વહીવટીતંત્ર અને સંચાલકો વચ્ચે મતભેદ હતા. પરંતુ હવે એ બધા વિવાદોને પાછળ છોડીને સ્પષ્ટતા થઈ ગઈ છે કે લોકમેળો યાંત્રિક રાઈડ સાથે યોજાશે.
લોકમેળા માટે ૩૪ પ્લોટની હરાજી શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે. સંચાલકો અને તંત્ર બંનેએ સહયોગ આપીને મેળાને સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. લોકો પણ ખુશ છે કે હવે ઝૂલા અને મોજમસ્તીનો ભરપૂર આનંદ મળવાનો છે.
સૌરાષ્ટ્રથી ઉમટે છે લ્હાવો
રાજકોટના લોકમેળા માટે માત્ર શહેર નહીં પરંતુ સૌરાષ્ટ્રના વિવિધ ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં લોકો પરિવાર સાથે આનંદ માણવા માટે ઉત્સાહભેર આવે છે.