દેશભક્તિ અને આત્મનિર્ભર ભારતની ભવ્ય છબીરૂપ તિરંગાની તૈયારીઓ
સુરત શહેર, જે પહેલાં માત્ર સાડી અને કપડા માટે જાણીતું હતું, હવે દેશના તિરંગા નિર્માણમાં પણ મોખરે છે. આમ જનતા સુધી ‘હર ઘર તિરંગા’ અભિયાન પહોંચાડવાના પ્રયાસોમાં સુરતનું નામ અત્યાર સુધીમાં સૌથી ઉપર નોંધાયું છે.
આ વર્ષે સુરતને અંદાજે 3.5 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળ્યા છે. જેને લઈને શહેરમાં ઉત્સાહ અને વ્યસ્તતા બે ઉંચે પહોંચી ગઈ છે. ટેક્સટાઇલ ઉદ્યોગના અનેક યુનિટ્સ તિરંગા બનાવવામાં લાગ્યા છે, અને દરેક તિરંગા સાથે દેશ માટે ગર્વની લાગણી જોડાયેલી છે.
ભૂતકાળમાં મોટા પ્રમાણમાં તિરંગા ચીનમાંથી આયાત થતા હતા. પરંતુ હવે એવું દૃશ્ય છે કે ભારતે પોતાના હસ્તકલા અને ધાગાના કૌશલ્યથી જ આ ખોટ પૂરી કરી છે. સુરતના ઉદ્યોગકારો પોતાનાં હાથોથી દેશ માટે ધ્વજ બનાવે છે અને તેમને ગર્વ છે કે તેઓ ‘દેશના દરવાજે ધ્વજ પહોંચાડી’ રહ્યા છે.
દરેક માપમાં તૈયાર, દરેક હૃદયમાં ધ્વજ
માટેની માંગ સૌથી વધુ 5×3 ઇંચ અને 20×30 ઇંચના ધ્વજ માટે છે. આવા નાના ધ્વજ સ્કૂલો, ઓફિસો, વાહનો અને ભેટ રૂપે ખૂબ વપરાય છે. ત્યારે બીજી તરફ 20×30 ફૂટના વિશાળ ધ્વજ જાહેર સ્થળો અને સરકારના કાર્યક્રમો માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરતના ઘણા નાના ઉદ્યોગકારો પણ હવે ફક્ત તિરંગા જ બનાવે છે.
તિરંગો હવે હંમેશા માટેની યાદગીરિ
અત્યારે એક નવી પ્રથા જોવા મળે છે – ફ્રેમ કરેલા તિરંગા ભેટ તરીકે આપવામાં આવે છે. આવા ધ્વજ તહેવાર બાદ પણ દીવાલ પર ગૌરવપૂર્વક ટંગાડી રહે છે. સુરતના નિર્માતાઓએ આ નવી ડિમાન્ડ ઝડપથી પકડી લીધી છે.
ધંધો પણ થયો અને ગૌરવ પણ મળ્યું
ફેડરેશન ઓફ ટેક્સટાઇલ સુરત ટ્રેડર્સ એસોસિએશનના કૈલાશ હકીમ જણાવે છે કે માત્ર ધ્વજના ઓર્ડર પરથી આશરે ₹100 કરોડથી વધુનો વ્યવસાય સર્જાઈ શકે છે. સુરતના ધ્વજ હવે માત્ર ધંધો નથી, તે દેશભક્તિનું પાવન પ્રતિક બની ચૂક્યું છે.