રેલવે અકસ્માતની તાજેતરની ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં શિવસેનાએ હવે બુલેટ ટ્રેનની યોજના મામલે તેની ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે કેન્દ્રે આ સપ્નું જોવાને બદલે હાલની ટ્રેનોને ચલાવવા પર ધ્યાન આપે.
પોતાના મુખપત્ર સામનામાં એક લેખમાં શિવસેનાએ કહ્યું હતું કે આપણા દેશમાં ટ્રેન અકસ્માતો થાય છે. લોકો મરે છે અને ઘાયલ થાય છે. પરંતુ આ સરકાર જાપાન સરકાર સાથે મળીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવી વસ્તુઓ આગળ ધપાવી રહી છે. સેનાએ કહ્યું હતું કે ચલા મુરારી હીરો બનનેની જેમ ચલા મુરારી બુલેટ ટ્રેન શુરુ કરનેનું સપ્નું સારું હોઇ શકે, પરંતુ પહેલાં હાલની ટ્રેનોને યોગ્ય રીતે ઓપરેટ કરવાની જરૂર છે. પહેલાં સ્વચ્છ પ્લેટફોર્મ્સ, રેક્સ અને ટોઇલેટ આપો અને રેલવેના ભોજનમાં મરેલા ઉંદર અને કોક્રેચ ન મળે તેની પર ધ્યાન રાખો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તેમના સમકક્ષ શિન્ઝો આબે એક લાખ કરોડના મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવા માટેના બાંધકામની કામગીરીનું ખાતમૂહૂર્ત આગામી મહિને કરવા જઇ રહ્યા છે. તે જોતાં શિવસેનાની ટીકા નોંધપાત્ર મનાય છે.