નવી દિલ્હી : ભારતમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસનો ચેપ 65 લાખના આંકડાને પાર પહોંચી ગયો છે. ભારતમાં કોરોના વિશ્વમાં સૌથી ઝડપથી ચેપ ફેલાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 75 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન સારવાર બાદ 82,260 લોકો ચેપમુક્ત બન્યા છે. તે જ સમયે 940 ચેપગ્રસ્ત લોકોનાં મોત પણ થયાં છે. આ સાથે, કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધી 1,01,782 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, દેશમાં હવે કોરોના ચેપની સંખ્યા 65,49,373 પર પહોંચી ગઈ છે. તેમાંથી 1,01,782 કોરોના ચેપથી અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. સક્રિય કેસની સંખ્યા ઘટીને 9,37,625 પર આવી છે. 3 ઓક્ટોબર, શનિવારે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 9 લાખ 44 હજારને વટાવી ગઈ હતી.
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. અહીં 14 લાખ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં હાલમાં 2,61,313 સક્રિય કેસ છે. તે પછી આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આવે છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ સક્રિય કેસ છે.
ઉલ્લેખનીય છે કે, સક્રિય કેસના કિસ્સામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. કોરોના ચેપની સંખ્યા દ્વારા ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. મોતના કેસમાં અમેરિકા અને બ્રાઝિલ પછી ભારતનો નંબર છે.