નવી દિલ્હી તા.૨૫ : જ્યારે લિપિડ પ્રોફાઇલ નામની લોહીની ટેસ્ટ કરવાની હોય ત્યારે ડોકટર અને પેથોલોજીસ્ટ બન્ને પહેલો પ્રશ્ન પૂછે છે, ‘છેલ્લા બાર કલાકમાં કંઇ ખાધું તો નથીને ?’
એટલે જ જો સવારે નવ વાગ્યે તમે બ્લડ આપવા જાઓ તો આગલી રાતે નવ વાગ્યા પછી કંઇ જ ખાવું ન જોઇએ એવી સલાહ અપાય છે. એવું મનાય છે કે ખાવાને કારણે લેવલમાં ફરક આવી શકે છે. લેટેસ્ટ અભ્યાસમાં એવો દાવો થઇ રહ્યો છે કે કોલેસ્ટરોલની ટેસ્ટ બાર માટે કલાક ભુખ્યા રહેવાની જરૂર નથી. આ માટે અમેરિકા, કનેડા અને ડેન્માર્કમાં લગભગ ત્રણ લાખ લોકોનો ડેટા તપાસાયો હતો. ડેન્માર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનનાં રિસર્ચરોનું કહેવું છે કે ઘણા દરદીઓ માટે બાર કલાક સુધી ભુખ્યા રહેવું પ્રેકિટકલ નથી હોતું. એટલું જ નહીં, ખાલી પેટે લીધેલાં અને ખાધા પછીનાં બ્લડ-સેમ્પલમાં કોલેસ્ટોલ લેવલમાં ખાસ ઝાઝો તફાવત નથી હોતો એટલે ભુખ્યા રહેવાની જરૂરિયાત ન હોવી જોઇએ.