દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સોમવારે સંબંધિત વિભાગો સાથે બેઠક બાદ વાયુ પ્રદુષણ (Air Pollution) વિરુદ્ધ મહા અભિયાનની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી સોમવારે સવારે 11 કલાકે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.
આજે દિલ્હી સચિવાલયમાં મેરેથોન બેઠક
તેમણે ટ્વીટ કર્યું કે, આજે સોમવારે સવારે 11 વાગ્યે દિલ્હી સચિવાલયમાં પર્યાવરણ, લોક નિર્માણ વિભાગ, દિલ્હી વિકાસ પ્રાધિકરણ, દિલ્હી જળ બોર્ડ, દિલ્હી નગર નિગમ, ટ્રાફિક પોલીસ, પરિવહનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી પ્રદુષણ વિરુદ્ધ સોમવારે અભિયાનની શરૂઆત કરશે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સાથે થઇ હતી બેઠક
હાલમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરની સાથે એક બેઠકમાં રાયે કહ્યું હતું કે, દિલ્હીની આસપાસ 11 તાપ વિજળી ઘર અને 1900થી વધારે ઈંટના ભઠ્ઠા છે જેમને ડિસેમ્બર 2019 સુધી જ પોતાની જુની ટેક્નીકોમાં ફેરફાર કરવા કહેવામાં આવ્યું હતું.
દિલ્હીમાં Pollutionનું આ છે મુખ્ય કારણ
તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં આ પ્રકારના 1640થી વધારે ઈંટના ભઠ્ઠા છે જ્યારે હરિયાણામાં 161 અને રાજસ્થાનમાં 164 ભઠ્ઠા છે. તેમણે કહ્યું કે, આ દરેક દિલ્હીના વાયુ પ્રદુષણના મુખ્ય કારણોમાંથી એક છે.
પરાળી સળગાવવાની સમસ્યા માટે યોજના
મંત્રીએ કહ્યું કે, દિલ્હી સરકારે કેન્દ્રીય મંત્રી જાવડેકર સાથે બેઠક દરમિયાન શહેરમાં પરાળી સળગાવવાની સમસ્યાનો સામનો કરવા માટે પોતાની યોજના રજૂ કરી. તેમણે કહ્યું કે, નજફગઢની ખરખરી ગામમાં એક કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે જ્યાં મંગળવારથી જૈવિક વિઘટન માટે આવશ્યક રસાયણ બનાવવામાં આવશે.