1.33 કરોડના MD ડ્રગ્સ કેસમાં દિવસે ને દિવસે નવા નવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે. ત્યારે આ ડ્ર્ગ્સ કેસમાં મુંબઈથી સુરત સુધીની એક ચેઈનને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. જેમાં એરોનોટિકલ એન્જિનીયર, બી.ફાર્મ થયેલો યુવક, કરોડપતિ આદિલ નૂરાની, મુંબઈના ડુંગળીના વેપારી સહિત 11 જણાને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામે મુંબઈથી ડ્રગ્સ સુરતમાં ઘૂસાડી યુવાધનને ડ્રગ્સના નશામાં ધકેલ્યું છે. ગત 22 સપ્ટેમ્બરના રોજ ત્રણ અલગ અલગ જગ્યાએથી ત્રણ આરોપીઓને 1.33 કરોડના MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપા પાડવામાં આવ્યા હતા. જેમાં સંકેત અસલાલીયા, વિનય પટેલ અને સલમાન ઝવેરીનો સમાવેશ થતો હતો. ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં અન્ય ડ્ર્ગ્સ સપ્લાયરોના નામ સામે આવ્યા હતા.
પોલીસ આ આરોપીઓની આખી ચેઈનને ઝડપી પાડવા છેલ્લા 13 દિવસથી જહેમત કરી રહી છે. જેમાં વધુ આઠની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંકેત અસલાલીયાના કેસમાં સલમાન અને પ્રજ્ઞેશ ઠુમ્મરનું નામ સામે આવ્યું હતું. સલમાન એરોનોટિકલ એન્જિનીયર એવા સંકેતને ડ્રગ્સનું મટિરિયલ પહોંચાડતો હતો. જ્યારે બી. ફાર્મ થયેલો પ્રજ્ઞેશ ઠુમ્મરે કડોદરા ખાતે સંકેતને એક લેબ ઉભી કરી દીધી હતી. જેમાં સંકેત MD ડ્રગ્સ બનાવતો હતો. ત્યારબાદ સુફીયાન મેમણ દ્વારા સુરતના યુવાધન સુધી પહોંચાડતો હતો. આરોપી વિનય પટેલના કેસમાં મુંબઈના રોહન અને ઉસ્માનનું નામ સામે આવ્યું હતું. મુંબઈથી રોહન વરાછામાં રહેતા અને NRI ના પુત્ર વિનયને ડ્રગ્સ પહોંચાડતો હતો. જ્યારે ઉસ્માન મુંબઈમાંથી ડ્રગ્સનો મેઈન સપ્લાયર બની રોહનને ડ્રગ્સ પહોંચાડતો હતો. જે મુંબઈથી સુરતમાં વિનય સુધી પહોંચાડવામાં આવતું હતું.