સ્વીડનની નોબેલ પ્રાઈઝ સમિતિ દ્વારા આજે મેડિસિન (ફિઝિયોલોજી)ના નોબેલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકી સંશોધકો હાર્વે એલ્ટર અને ચાર્લ્સ રાઈસ તથા બ્રિટિશ વિજ્ઞાાની માઈકલ હ્યુટનને આ પ્રાઈઝ સંયુક્ત રીતે જાહેર થયું છે.એે ત્રણેયે મળીને લિવર કેન્સર તથા સોરાયસીસ નામની બિમારીના સર્જક હિપેટાઈટિસ સી વાઈરસની ઓળખ કરી આપી હતી. જેના કારણે આ જટીલ રોગનું નિદાન અને સારવાર શક્ય બન્યા છે.
આ ત્રણેયે મળીને યકૃત (લિવર) પર થનારા સોઝા એટલે કે હિપેટાઈટિસનું રહસ્ય ઉકેલ્યું હતું. સંશોધકો હિપેટાઈટિસ એ અને બી વાઈરસ અંગે જાણતા હતા. પરંતુ હિપેટાટિસીનો વાઈરસ તેમના માટે રહસ્યમ હતો.લોહીમાંથી સર્જાતા આ હિપેટાઈટિસને કારણે વર્ષે 70 લાખ લોકો બિમાર પડે છે અને ચાર લાખના મોત થાય છે. આ સંશોધકોએ હિપેટાઇટિસ સીના વાઈરસની શોધ કર્યા પછી હવે તેની સારવાર શક્ય બની છે. ડૉક્ટરો લોહીનો ટેસ્ટ કરીને હિપેટાઈટિસ સી અંને જાણકારી પ્રાપ્ત કરી શકે છે, જે પહેલા શક્ય ન હતી.નોબેલ સમિતિએ નોધ્યુ છે કે આ શોધને કારણે ઇતિહાસમાં પહેલી વખત આપણે હિપેટાઈટિસ સીથી થતા રોગની સારવાર કરી શકીએ છીએ. નોબેલ સમિતિ દ્વારા ત્રણેય સંશોધકોને મેડલ ઉપરાંત 11.18 લાખ ડૉલરનું ઈનામ અપાશે જે ત્રણેય વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાશે. હાર્વે 75 વર્ષના છે અને અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ સાથે સંકળાયેલા છે.
માઈકલ કેનેડાની યુનિવર્સિટી ઓફ આલ્બર્ટા સાથે સંકળાયેલા છે. જ્યારે 58 વર્ષના ચાર્લ્સ રાઈસ રોકફેલર યુનિવર્સિટીમાં કાર્યરત છે. આલ્કોહોલનું વધારે સેવન, લિવરમાં ઝેરી કચરાનો ભરાવો અને અન્ય કારણોસર હિપેટાઈટિસની સમસ્યા સર્જાતી હોય છે. આ પહેલા લોહીમાંથી પેદા થતા વાઈરસને કારણે સર્જાતા હિપેટાઈટિસ બીની શોધ કરનારા વિજ્ઞાાની બ્રચ બ્લુમબર્ગને પણ 1976માં મેડિસિનનું નોબેલ પ્રાઈઝ અપાયું હતું. અમેરિકાના હાર્વેએ હિપેટાઈટિસ માટે કોઈ અજાણ્યો વાઈરસ કારણભૂત હોવાની શોધ કરી હતી. એ પછી તેના આધારે બ્રિટનના માઈકલે વાઈરસની ઊંડી તપાસ કરી તેની ઓળખ કરી હિપેટાઈટિસ સી એવું નામ આપ્યું હતું. જ્યારે ત્રીજા બ્રિટિશ વિજ્ઞાાની રાઈસે પોતાના પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે એકલા સીના વાઈરસને કારણે પણ હિપેટાઈટિસ થઈ શકે છે. એ રીતે ત્રણેય સંશોધકોએ ભેગા મળીને વાઈરસની સમગ્ર કૂંડળી કાઢી હતી.