આમ તો સૌ કોઈ તનાવભરી જીંદગી જીવે છે. પણ, ખાખી વર્દીધારી પોલીસ વિશેષ તનાવમાં જીવે છે. તનાવની સ્થિતિમાં પોલીસ માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે અને આપઘાતના કિસ્સામાં પણ ભૂતકાળમાં બની ચૂક્યાં છે. આથી, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓમાં રહેલા સ્ટ્રેસને ભગાવવા માટે પોલીસ મેડિટેશનના માર્ગે આગળ વધવાની છે. ડીજીપીથી માંડી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ સ્ટાફ અને પરિવાર માટે તા. 10થી 12 દરમિયાન સવાર-સાંજ વિનામૂલ્યે ઓનલાઈન મેડિટેશન કેમ્પ યોજાનાર છે. રાજ્યના સવા લાખ પોલીસકર્મી, અધિકારી માટે આ પ્રકારનો ઓનલાઈન મેડિટેશન કેમ્પ પહેલી વખત યોજાઈ રહ્યો છે.
દોઢ કલાક માટેના મેડિટેશન કેમ્પ યોજાશે
ગુજરાત પોલીસ માટે આગામી તા. 10, 11 અને 12, એમ ત્રણ દિવસ સવારે 8 અને રાતે 8 વાગ્યાથી દોઢ-દોઢ કલાક માટેના મેડિટેશન કેમ્પ યોજાશે. ગુજરાતના અંદાજે સવા લાખ પોલીસ કર્મચારીમાંથી ઘણાંખરાં પોલીસ કર્મચારી, અિધકારી સ્ટ્રેસ એટલે કે તણાવના કારણે માનસિક અને શારીરિક સમસ્યાથી પરેશાન રહે છે. નજીકના ભવિષ્યમાં જ કેટલાક પોલીસ અધિકારી, કર્મચારીએ આપઘાત કર્યાના કિસ્સા બન્યાં છે. આ સંજોગોમાં પોલીસ કર્મચારીઓ, અિધકારી અને પોલીસ પરિવારો માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
તમામ થાણા અમલદાર અને જે તે વિભાગના વડાને નોડલ ઓફિસર બનાવાયાં
હૈદ્રાબાદની રામચંદ્ર મિશન સંસૃથાના સહયોગથી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા ત્રણ દિવસના મેડિટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિટેશન, શુધૃધીકરણ અને ધ્યાન, પ્રાર્થના અને ધ્યાન એવા ત્રણ તબક્કામાં ગુજરાતના સવા લાખ પોલીસ કર્મચારી, અધિકારી અને પરિવારના સભ્યો મેડિટેશન કેમ્પમાં જોડાઈ શકે છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેર-જિલ્લાની પોલીસને મેડિટેશન કેમ્પનો સપરિવાર લાભ લેવા અપીલ કરી છે. આ માટે તમામ થાણા અમલદાર અને જે તે વિભાગના વડાને નોડલ ઓફિસર બનાવાયાં છે.
પરિવારો પણ મેડિટેશન કેમ્પનો હિસ્સો બને તે માટે રજીસ્ટ્રેશનની પોલીસને તાકીદ
તમામ નોડલ ઓફિસરને તેમના તાબામાં રહેલા મહત્તમ કર્મચારી મેડિટેશન કેમ્પમાં જોડાય તે પ્રકારે નોંધણી કરવાની સુચના અપાઈ છે. પોલીસ પરિવારો પણ મેડિટેશન કેમ્પનો હિસ્સો બને તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા પોલીસને તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પોલીસ શારીરિક-માનસિક દ્રઢતા જાળવી રાખવા સપરિવાર અને સાગમટે ભાગ લઈ શકે તેવો ઓનલાઈન નિ:શુલ્ક કેમ્પ પહેલી વખત યોજાઈ રહ્યો છે.