મુંબઈ પોલીસે ગુરૂવારના રોજ દાવો કર્યો છે કે, ટીઆરપી સાથે છેડછાડ કરવાનો ભાંડાફોડ થયો છે. આ મામલે બે નાની ચેનલોના માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ કમિશ્નરે એક પ્રેસ કોન્ફરન્સ કરી ખાસ રિપબ્લિક ટીવી પર પૈસા આપીને ટીઆરપીમાં હેરફેર કરવાની શંકા વ્યક્ત કરી છે. જેની તપાસ પણ ચાલી રહી છે. જો કે, રિપબ્લિક ટીવીએ પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યુ છે અને મુંબઈ પોલીસ કમિશ્નર પરમબિર સિંહ વિરુદ્ધ માનહાનીનો દાવો કરવાની વાત પણ કરી છે. ત્યારે આવો જાણીએ કે, આખરે આ ટીઆરપીની રમત હોય છે શું અને કઈ રીતે માપવામાં આવે છે. ચેનલોમાં તેનું શું મહત્વ હોય છે.
TRP શું હોય છે
ટીઆરપીનો અર્થ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ થાય છે. જેના દ્વારા ખબર પડે છે કે, કોઈ પણ ટીવી ચેનલ અથવા શોને કેટલા લોકો જોવે છે અને કેટલા સમય સુધી જોવે છે. તેનાથી એ જાણવા મળે છે કે, કઈ ચેનલ, કયો શો કેટલો લોકપ્રિય છે. લોકો તેને કેટલો પસંદ કરે છે. જેટલી વધુ ટીઆરપી એટલી વધુ લોકપ્રિયતા નક્કી થાય છે. અત્યારે BARC ઈન્ડિયા( બ્રોડકાસ્ટ ઓડિયંસ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયા) ટીઆરપીને માપે છે. પહેલા આ કામ TAM કરતુ હતું.
TRP કેવી રીતે માપવામાં આવે છે
હવે સમજીએ કે, આખરે ટીઆરપી કેવી રીતે માપવામાં આવે છે. સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરી દઈએ કે, ટીઆરપી કોઈ વાસ્તવિક નહીં પણ અનુમાનિત આંકડાઓ હોય છે. દેશમાં કરોડો ઘરોમાં ટીવી ચાલતા હોય છે. આ સમયે દરેક ઘરોમા શું જોવાઈ રહ્યુ છે. તેને માપવુ એ વ્યવહારિક નથી. એટલા માટે સેમ્પલિંગનો સહારો લેવામાં આવે છે. ટીઆરપી માપવાવાળી એજન્સી દેશના અલગ અલગ ભાગોમાં, ઉંમર, શહેરી અને ગ્રામિણ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા સેમ્પલ પસંદ કરે છે. અમુક હજાર ઘરોમાં એક ખાસ ટેકનિક જેને પીપલ્સ મીટર કહેવાય છે. જેને ફીટ કરવામાં આવે છે. પીપલ્સ મીટર દ્વારા ખબર પડે છે કે, કોઈ પણ ટીવી સેટ પર કઈ ચેનલ, ક્યો પ્રોગ્રામ અને ક્યો શો કેટલી વાર જોવાયો અને કેટલા સમય સુધી જોવાયો. પીપલ્સ મીટરથી આ બધી જાણકારી મળે છે. એજન્સી તેનુ વિશ્લેષણ કરે છે અને ટીઆરપી નક્કી કરે છે. આ જ સેમ્પલ દ્વારા તમામ દર્શકોની પસંદનું અનુમાન નક્કી થાય છે.
TRPનું મહત્વુ શું હોય છે
ટીઆરપી શું હોય છે અને કેવી રીતે મપાય છે એ જાણ્યા બાદ હવે સમજીએ કે, આખરે તેનું મહત્વ શું હોય છે. હકીકતમાં ટીઆરપી કોઈ ચેનલ, પ્રોગ્રામ અથવા શોની લોકપ્રિયતા માપવાના માપદંડ છે. ટીવી ચેનલની કમાણીનો મુખ્ય સ્ત્રોત જાહેરાત છે અને તેનાથી જ પૈસા આવે છે. જે ચેનલની જેટલી વધુ લોકપ્રિયતા અથવા ટીઆરપી, તેને વધુ જાહેરાત મળે છે. તેથી સ્વાભાવિક છે તે ચેનલને કમાણી પણ વધુ થવાની છે. વધુ ટીઆરપીવાળી ચેનલ જાહેરાત બતાવાના રૂપિયા પણ વધુ લેતી હોય છે. ઓછી ટીઆરપી વાળી ચેનલોમાં જાહેરાતો ઓછી આવે છે અથવા તો ઓછી કિંમતે જાહેરાત બતાવવી પડે છે. આ વાત પરથી એટલુ સ્પષ્ટ થઈ ગયુ હશે કે, જેની વધારે લોકપ્રિયતા તેટલી વધુ ટીઆરપી અને તેટલી વધુ કમાણી.