અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં બનેલી એક ઘટનાથી કંઇક અશુભ બનવાનો ભય સ્થાનિક લોકોમાં ફરી વળ્યો હતો. બન્યું એવું કે સેંકડો પ્રવાસી (માઇગ્રેટરી) પંખીઓ મૃત અવસ્થામાં આકાશમાંથી વરસાદની જેમ ધરતી પર પડ્યા હતા. આ જોઇને સ્થાનિક લોકો ડરી ગયા હતા.
વધુ પ્રવાસી પંખીઓ આ રીતે મરણ પામ્યા
બીજી ઓક્ટોબરથી આ ઘટના શરૂ થઇ હતી. અત્યાર સુધીમાં પંદરસોથી વધુ પ્રવાસી પંખીઓ આ રીતે મરણ પામ્યા હોવાનો અંદાજ હતો. આ પંખીઓ કાતિલ શિયાળો શરૂ થવા પહેલાં દક્ષિણ દિશા તરફ જઇ રહ્યા હતા. અગાઉ આવી ઘટના બોતેર વર્ષ પહેલાં 1947માં બની હતી. ત્યારબાદ આ વરસે પહેલીવાર ફરી આવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
75 પંખી મારી સમક્ષ રજૂ કર્યાં હતાં
ફિલાડેલ્ફિયામાં વાઇલ્ડ લાઇફ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સ્ટીફન મેસીઝેવસ્કીએ કહ્યું કે બીજી ઓક્ટોબરે સવારે પાંચથી આઠ વાગ્યા સુધીમાં તો 400 પક્ષી ગગનમાંથી મરેલી અવસ્થામાં ધરતી પર પડ્યા હતા. સંખ્યાબંધ પક્ષીઓ ત્યારપછી પણ આ રીતે પડતા રહ્યા છે, આ ખરેખર એક વિનાશકારી ઘટના છે. અત્યાર અગાઉ 1947માં પહેલીવાર મેં આવી ઘટના જોઇ હતી. તેમણે ઉમેર્યું કે મારી નજર સામે એક સફાઇ કામદારે એેક પછી એક 75 પંખી મારી સમક્ષ રજૂ કર્યાં હતાં. એમાં થોડાંક જીવંત પણ હતાં. એ સફાઇ કામદારને થયું કે હું મરેલાં પંખી ઉપાડવા આવ્યો છું એટલે મને આપ્યાં. મેં આવા દરેક પક્ષીના ઉડ્ડયન માર્ગ, સમય અને ચોક્કસ સ્થળના પ્રભાવની નોંધ કરી રાખી હતી.
અફળાતાં મરણ પામ્યાં હતાં
એક અહેવાલ મુજબ કેનેડા તરફ જતાં આ પંખીઓ ગગનચુંબી ટાવર્સના કાચ સાથે અફળાતાં મરણ પામ્યાં હતાં. અત્યાર પહેલાં અમેરિકી સંસદમાં એક ઠરાવ એવો રજૂ થયો હતો કે બહુ ઊંચાં ટાવર્સમાં કાચ લગાડવા નહીં. એ કાચ જોખમી બની રહે છે.