અમદાવાદ તા.૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ૧૪મી સપ્ટેમ્બરના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલા એથ્લેટિકસ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે. ખાતમુહૂર્તના કાર્યક્રમને ધ્યાનમાં લઈને ભારતીય રેલવેના અમદાવાદ વિભાગે ગ્રાઉન્ડની સફાઈની અને અન્ય તૈયારીઓ શરુ કરી દીધી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલવે દ્વારા યાસ કરવામાં આવી રહ્યા છે કે ખાતમુહૂર્ત જે સ્થળે થાય તે જ સ્થળે સ્ટેશન બનાવવામાં આવે. આ સાઈટ સ્ટેશન માટે બેસ્ટ રહેશે કારણકે તે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો એકસપ્રેસ રૂટથી નજીક છે અને BRTS રૂટ પણ નજીક છે. આ સિવાય રાણીપ ST ડેપો પણ નજીક છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રોગ્રામ રાજય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવશે અને રેલવેનું કામ માત્ર ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવાનું છે. કોન્ટ્રાકટરને ગ્રાઉન્ડ પરથી ઘાસ કાઢીને તેને તૈયાર કરવાનું કહી દેવામાં આવ્યું છે.