વિશ્વભરમાં ડ્રગ્સનું માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. મોટા પ્રમાણમાં કોકેન બનાવવામાં આવી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી અફીણ પણ ટ્રેન્ડમાં છે. આ ઉપરાંત, નેધરલેન્ડ્સમાં સિન્થેટિક ડ્રગ્સનું માર્કેટ વધતું જઈ રહ્યું છે અને કેટલાક દેશોમાં ગાંજો (કેનેબિસ)કાયદેસર બનાવવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનુસાર, વર્ષ 2018માં વિશ્વભરમાં 26.9 કરોડ લોકો ડ્રગનો ઉપયોગ કરી રહ્યા હતા. હવે એ વાત તમામ લોકો જાણે છે કે ડ્રગ્સ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે ડ્રગ્સ પર્યાવરણને પણ ગંભીર રીતે અસર કરી શકે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં એક વર્ષની અંદર ગાંજાના ઇન્ડોર પ્રોડક્શનમાં 1.5 કરોડ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થયું છે.
આ દર વર્ષે 30 લાખ ગાડીઓમાંથી થતા ઉત્સર્જન સમાન છે. ગાંજાના છોડને પાણીની બહુ જરૂર પડે છે. આ છોડને ટામેટાં અથવા દ્રાક્ષ કરતાં બમણાં પાણીની જરૂર પડે છે. અમેરિકામાં વપરાતા ગાંજાના 70%નું ઉત્પાદન ફક્ત કેલિફોર્નિયામાં થાય છે. આટલી મોટી ખેતીમાં દરેક છોડને દરરોજ 22 લિટર પાણીની જરૂર પડે છે. કેલિફોર્નિયન ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરિઝ એન્ડ વાઇલ્ડલાઇફના વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે, બહાર કરવામાં આવતી આ ગેરકાયદેસર ખેતીએ અનેક જગ્યાએ પાણીનું સ્તર ઘટાડી દીધું છે. કોકેન માટે જંગલો સાફ કરવામાં આવી રહ્યા છે. તાજેતરનાં કેટલાક વર્ષોમાં કથિત ડ્રગ્સ પાર્ટી ખૂબ લોકપ્રિય બની છે. બેલ્જિયમ અને નેધરલેન્ડ સિન્થેટીક ડ્રગ્સના હોટસ્પોટ બનેલા છે. એક કિલો એમડીએમએ પ્રોડક્શનમાં 10 કિલો ઝેરી કચરો પેદા થાય છે. આવા કચરામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ્સ અને એસીટોન સામેલ હોઈ શકે છે.