સરકારે સુપ્રીમ કૉર્ટમાં જણાવતા ‘આધાર’ કેસની સુનાવણી નવેમ્બરમાં મોકૂફ |
નવી દિલ્હી: સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ લેવા આધાર કાર્ડ આપવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હોવાથી આધાર કાર્ડ સંબંધિત સંખ્યાબંધ અરજીની સુનાવણી નવેમ્બરમાં કરવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણવાળી બૅન્ચે જણાવ્યું હતું કે ઍટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે, સરકાર ૩૦ સપ્ટેમ્બરની મુદત વધારશે. એટલે આધાર સબંધિત અરજીઓની સુનાવણી કરવાની ઉતાવળ નથી. જુદા જુદા અરજદારો વતી વરિષ્ઠ ઍડવોકેટ શ્યામ દીવાને જસ્ટિસ અમિત્વ રૉય અને એ. એમ. ખાનવિલકરની બૅન્ચ સમક્ષ ઉક્ત મામલે ઉલ્લેખ કરીને જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાના કેન્દ્ર સરકારના પગલાંને પડકારતી સંખ્યાબંધ અરજીની વહેલી તકે સુનાવણી કરવા જણાવ્યું હતું.
દીવાને એ મુદત ૩૦ સપ્ટેમ્બર સુધીની હોવાનો ઉલ્લેખ કર્યો ત્યારે વેણુગોપાલે જણાવ્યું હતું કે, અમે (કેન્દ્ર સરાર) તે મુદત ૩૧ ડિસેમ્બર સુધી વધારીશું. આથી બૅન્ચે જણાવ્યું હતું કે સુનાવણી તુરતમાં કરવાની જરૂર નથી. અરજીઓની સુનાવણી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે.
ત્રણ જજની બૅન્ચે સાતમી જુલાઈએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ સંદર્ભના બધા મુદ્દાની અરજીઓને લગતો નિર્ણય મોટી બૅન્ચ લેશે. ત્યારપછી ૧૨ જુલાઈએ ટોચની કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાંચ જજની બંધારણીય બૅન્ચ સમક્ષ ગોપનીયતાના હક સહિતની આધાર સંદર્ભમાં બાબતોની અરજીની સુનાવણી કરવામાં આવશે. ત્યાર પછી નવ જજની બંધારણીય બૅન્ચે ૨૪ ઑગસ્ટે ગોપનીયતાના હકને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરતાં જણાવ્યું હતું કે બંધારણની કલમ ૨૧માં વ્યકિગત સ્વતંત્રતાના અધિકારના આંતરિક ભાગ તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.