નવી દિલ્હી : સમાજસેવી અન્ના હઝારેએ લોકપાલની નિયુકિતને લઈને ફરી આંદોલન કરવાની ચેતવણી આપી છે. અન્નાએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈને એક પત્ર પણ લખ્યો છે. અન્નાએ જણાવ્યુ છે કે જો લોકપાલ નહીં લાવવામાં આવે તો તેઓ ફરીથી આંદોલન કરશે. જો કે અન્નાએ આંદોલનની તારીખ અને સ્થળ નક્કી નથી કર્યા.
નરેન્દ્રભાઈને લખેલી ચિઠ્ઠીમાં અન્નાએ જણાવ્યું છે કે ”ભ્રષ્ટાચાર મુકત ભારતનું સપનુ જોતા ઓગષ્ટ ૨૦૧૧માં રામલીલા મેદાન પર અને આખા દેશમાં ઐતિહાસિક આંદોલન થયેલ. આ આંદોલનને જોઈને ૨૭ ઓગષ્ટ ૨૦૧૧ના દિવસે સંસદમાં ”સેન્સ ઓફ ધ હાઉસ”થી રીઝોલ્યુશન પાસ કરાયુ હતું. જેમાં કેન્દ્રમાં લોકપાલ, દરેક રાજયોમાં લોકાયુકત અને સીટીઝન ચાર્ટર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર જલ્દીથી જલ્દી કાયદો બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ પણ આજે ૬ વર્ષ બાદ પણ ભ્રષ્ટાચારને રોકનારો એક પણ કાયદા પર અમલ નથી થઈ શકયો.”
વધુમાં પત્રમાં અન્નાએ જણાવેલ કે તમને સત્તામાં આવ્યે ત્રણ વર્ષ બાદ પણ લોકપાલ અને લોકાયુકતની નિયુકિતને લઈને જવાબ નથી આવ્યો. લોકપાલ અને લોકાયુકત કાયદો બનતા સમયે સંસદમાં વિપક્ષની ભૂમિકામાં રહેલ તમારી પાર્ટીના નેતાઓએ પણ આ કાયદાને પૂરા સમર્થન આપેલ. ૨૬ મે ૨૦૧૪ના તમારી પાર્ટીની સરકાર સત્તામાં આવી. લોકપાલ આંદોલન બાદ દેશની જનતાએ મોટી આશાથી તમારા નેતૃત્વમાં નવી ત્રણ વર્ષમાં કેટલાય પત્રો લખ્યા. પણ તમે કાર્યવાહી રૂપે ન’તો પત્રનો જવાબ આપ્યો કે ન’તો અમલ કર્યો. કયારેય પણ જનતા સાથે સંવાદ કરતી વખતે અને ન કયારેય મન કી બાતમાં લોકપાલ અને લોકાયુકતનો ઉલ્લેખ પણ કર્યો, તો પછી કેમ ભ્રષ્ટાચાર મુકત ભારત બનશે?
આશ્ચર્યજનક વાત એ છે કે જે રાજયોમાં વિપક્ષની સરકાર છે ત્યાં તો નહીં પણ જે રાજયોમાં તમારી પાર્ટીની સરકાર છે ત્યાં પણ નવા કાયદા મુજબ લોકાયુકત નિયુકત નથી કરાયા. એથી સ્પષ્ટ થાય છે કે આપની પાસે લોકાયુકતના કાયદા પર અમલ કરવાની ઈચ્છાશકિતનો અભાવ છે. તમારી કથની અને કરણીમાં અંતર પડી રહ્યુ છે. તો કેમ બનશે ભ્રષ્ટાચાર મુકત ભારત?
આ પહેલા ૨૮ માર્ચ ૨૦૧૭ના પત્રમાં મે આપને લખ્યુ હતું કે જો લોકપાલ અને લોકાયુકત કાયદા પર અમલ નથી થતો તો મારો હવેનો પત્ર દિલ્હીમાં થનાર આંદોલન વિશે હશે. એ જ પત્ર મુજબ મેં સમાજ અને દેશની ભલાઈ માટે દિલ્હીમાં આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.
પત્રના અંતમાં અન્નાએ જણાવેલ કે ”૩૫ વર્ષથી હું આંદોલન કરતો આવ્યો છું પણ કયારેય કોઈ પક્ષ અને પાર્ટીના વ્યકિતના વિરોધમાં આંદોલન નથી કર્યુ. ફકત સમાજ અને દેશના હિત માટે આંદોલન કરતો આવ્યો છું. ૩ વર્ષ સુધી હું તમારી સરકારને યાદ અપાવવા વારંવાર પત્ર લખી લોકપાલ અને લોકાયુકતની નિયુકિત માટે અને ખેડૂતોને ખેતપેદાશોના ખર્ચા પર આધારીત પુરતી કિંમત માટે પત્ર લખ્યા હતા પણ તમે તેનો જવાબ જ નથી દીધો અને કોઈ કાર્યવાહી પણ નથી કરી. એટલે હવે મેં દિલ્હીમાં આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. જયાં સુધી ઉપરોકત મુદ્દાઓ પર જનહિતમાં યોગ્ય નિર્ણય અને અમલ નહીં થાય ત્યાં સુધી મારૂ આંદોલન હું દિલ્હીમાં ચાલુ રાખીશ. હવેના પત્રમાં આંદોલનની તારીખ અને સ્થળ વિશે આપને અવગત કરાવીશ.’