ગાંધીનગરઃ ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના ટોચના નેતાઓમાં વ્યગ્રતા વધતી જાય છે. જો ભાજપના જ સૂત્રોની માનીએ તો આ વખતે મોટી સંખ્યામાં કેબિનેટ મંત્રીઓ અને MLAને તેમના ખરાબ પરફોર્મન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને દરવાજો બતાવી દેવાની તૈયારીમાં છે. વળી, આ વખતે ભાજપે થોડા કોંગ્રેસના MLA માટે પણ જગ્યા કરવાની છે. પાર્ટીમાં ગણગણાટ બંધ કરવા માટે પાર્ટી આ મુદ્દાને શક્ય તેટલો ગુપ્ત રાખવામાં આવે છે. પરંતુ ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને MLAને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે.
2002 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે પણ કેટલાંય મંત્રીઓ અને સિનિયર MLAને પડતા મૂક્યા હતા. ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શક્યતા છે.
ભાજપે ‘ગરજશે ગુજરાત’ નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શક્યતા છે. જો કે હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય સ્તરેથી આ કેમ્પેઈનને ક્લિયરન્સ આપવામાં નથી આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે એડવર્ટાઈઝમેન્ટ કેમ્પેઈન ડિઝાઈન કર્યું છે જેની ટેગ લાઈન હશે ‘ગરજશે ગુજરાત’. આ કેમ્પેઈન ટૂંક જ સમયમાં લોન્ચ થશે. ભાજપના ગુજરાત રાજ્યના પ્રમુખ જિતુ વાઘાણીએ જણાવ્યું, “અમે ટૂંક જ સમયમાં આ કેમ્પેઈન લોન્ચ કરવાના છે આથી આ અંગે હાલમાં વધુ વિગતો આપવી યોગ્ય નથી, પરંતુ આ એક આક્રમક કેમ્પેઈન હશે.”