LIC એ ઇન્ફોસિસને પછાડ્યું! ભારતની દિગ્ગજ આઈટી કંપનીની વેલ્યુ કેમ આટલી ઘટી? જાણો અંદરની વાત
ભારતીય શેરબજારમાં દાયકાઓ સુધી જે કંપની ‘કમ્પાઉન્ડર મશીન’ તરીકે ઓળખાતી હતી અને રોકાણકારોની માનીતી હતી, તે ઇન્ફોસિસ આજે એક મોટા વમળમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેય સેન્સેક્સ અને નિફ્ટીની કરોડરજ્જુ ગણાતી આ દિગ્ગજ આઈટી કંપની હવે રોકાણકારો માટે ચિંતાનો વિષય બની છે. આ વર્ષે કંપનીની બજાર કિંમતમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, જેને પરિણામે ઇન્ફોસિસ ભારતની સૌથી વધુ વેલ્યુએબલ ટોપ-10 કંપનીઓની યાદીમાંથી પણ બહાર ફેંકાઈ ગઈ છે.
શેરબજારમાં જોરદાર પછડાટ: રોકાણકારોના નાણાંનું ધોવાણ
તાજેતરના ત્રિમાસિક પરિણામો બાદ ઇન્ફોસિસના શેરમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું છે. માત્ર એક જ દિવસમાં શેર 7 ટકા જેટલો તૂટ્યો હતો અને વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં શેરમાં આશરે 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં ઇન્ફોસિસનું માર્કેટ કેપ આશરે 4.76 લાખ કરોડ રૂપિયાની આસપાસ આવી ગયું છે. આ ઘટાડો માત્ર આંકડાકીય નથી, પરંતુ તે રોકાણકારોના કંપની પ્રત્યેના ઘટતા ભરોસાને પણ દર્શાવે છે.
માર્કેટ રેન્કિંગમાં મોટો ઉલટફેર: LIC એ મારી બાજી
આ ઘટાડાને કારણે ભારતીય બજારના રેન્કિંગમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) હવે આશરે 5.16 લાખ કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યુ સાથે ટોપ-10 માં સામેલ થઈ ગઈ છે. બીજી તરફ, આઈટી ક્ષેત્રની બીજી દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) પણ માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-5 માંથી બહાર નીકળી ગઈ છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વર્તમાન સ્થિતિ માત્ર ઇન્ફોસિસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર આઈટી સેક્ટર અત્યારે પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
પરિણામો સારા છતાં કેમ ડર્યા રોકાણકારો?
ઘણીવાર એવું બને છે કે આંકડા સારા દેખાતા હોય પણ ભવિષ્યનો અંદાજ ડરામણો હોય. માર્ચ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનું પ્રદર્શન બહુ ખરાબ નહોતું. કંપનીની આવક 13 ટકા વધીને 46,402 કરોડ રૂપિયા થઈ અને નફો પણ અંદાજ કરતા વધુ 8,501 કરોડ રૂપિયા રહ્યો. તેમ છતાં, બજાર કેમ નારાજ થયું?
તેનું મુખ્ય કારણ છે ‘ગાઈડન્સ’. કંપનીએ નાણાકીય વર્ષ 2027 માટે માત્ર 1.5 ટકા થી 3.5 ટકાનો ગ્રોથ ગાઈડન્સ આપ્યો છે, જે બજારની અપેક્ષા કરતા ઘણો ઓછો છે. જ્યારે કોઈ ગ્રોથ કંપની તેની વૃદ્ધિની ગતિ ધીમી પડે એવા સંકેત આપે, ત્યારે રોકાણકારો તેમના નાણાં પાછા ખેંચી લેવાનું મુનાસિબ સમજે છે.
સમસ્યા ક્ષણિક નથી, પણ માળખાગત (Structural) છે
બ્રોકરેજ હાઉસ અને આર્થિક નિષ્ણાતો માને છે કે આઈટી સેક્ટરમાં અત્યારે જે મંદી દેખાય છે તે માત્ર થોડા સમયની વાત નથી, પરંતુ તે એક માળખાગત પરિવર્તન છે.
-
ક્લાયન્ટના ખર્ચમાં ઘટાડો: વૈશ્વિક કંપનીઓ હવે મોટા ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં સાવચેતી રાખી રહી છે.
-
ઉત્પાદકતા પર ભાર: અત્યારે કંપનીઓ નવું વિસ્તરણ કરવાને બદલે ‘કોસ્ટ કટિંગ’ એટલે કે ખર્ચ ઘટાડવા પર વધુ ધ્યાન આપી રહી છે.
-
ધીમી ડીલ્સ: નવા મોટા કોન્ટ્રાક્ટ્સ સાઈન થવાની પ્રક્રિયા ઘણી ધીમી પડી ગઈ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): આશીર્વાદ કે અભિશાપ?
ઇન્ફોસિસ અત્યારે એઆઈ (AI) ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહી છે. કંપની પાસે ‘ટોપાઝ’ (Topaz) જેવું શક્તિશાળી પ્લેટફોર્મ છે અને 30,000 થી વધુ ડેવલપર્સ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી ડેટા, ક્લાઉડ અને ઓટોમેશનમાં નવી તકો તો ઉભી થઈ રહી છે, પણ તેનો એક બીજો પાસું પણ છે.
AI ને કારણે પ્રોડક્ટિવિટી વધતા ક્લાયન્ટ્સ હવે ઓછી કિંમતે કામ માંગી રહ્યા છે. આનો સીધો અર્થ એ થાય કે કંપનીના જૂના અને મુખ્ય બિઝનેસના માર્જિન પર દબાણ આવી રહ્યું છે. એટલે કે નવો બિઝનેસ આવી રહ્યો છે, પણ જૂની કમાણીમાં ગાબડું પડી રહ્યું છે.
સેક્ટર મુજબ માગમાં તફાવત
ઇન્ફોસિસ માટે અત્યારે મિશ્ર પરિસ્થિતિ છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એનર્જી સેક્ટરમાં હજુ પણ સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ મેન્યુફેક્ચરિંગ, રિટેલ અને ટેલિકોમ સેક્ટર નબળા સાબિત થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ (Geopolitical Tensions) અને અનિશ્ચિતતાને કારણે ગ્રાહકો મોટા નિર્ણયો લેતા અચકાઈ રહ્યા છે.
ભવિષ્યની આશા: શું વળતો પ્રહાર શક્ય છે?
નાણાકીય વર્ષ 2026 માં ઇન્ફોસિસે 14.9 અબજ ડોલરના ડીલ્સ સાઈન કર્યા છે, જે અગાઉના વર્ષ કરતા 24 ટકા વધુ છે. સૌથી મહત્વની વાત એ છે કે આમાં અડધાથી વધુ નવા કોન્ટ્રાક્ટ્સ છે. આ આંકડા દર્શાવે છે કે લોન્ગ ટર્મમાં કંપની માટે કામની કોઈ કમી નથી.

