નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત કરી છે. બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે સીધા લાભ ટ્રાન્સફર દ્વારા કર્મચારીઓના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે સરકારી કર્મચારીઓ માટે વિશેષ તહેવારની એડવાન્સ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના દ્વારા કર્મચારીઓ 10 હજાર રૂપિયા અગાઉથી લઇ શકશે.
30 લાખ કર્મચારીઓને લાભ થશે
કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2019-20 માટે ઉત્પાદકતા અને બિન-ઉત્પાદકતા લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે. આ ઘોષણાથી 30 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે.
કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, વિજયાદશમી કે દુર્ગાપૂજા પહેલા કેન્દ્ર સરકારના 30 લાખ કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની ચુકવણી તરત જ શરૂ થઈ જશે.