અમદાવાદ : અમદાવાદની સિવિલ હૉસ્પિટલના જનરલ સજ્ર્યનની અક્ષમ્ય બેદરકારીથી પાંચ વર્ષ સુધી પેટમાં કાતર સાથે જીવેલાં કચ્છનાં મહિલાનું સિવિલ હૉસ્પિટલમાં આખરે મૃત્યુ થયું છે.
૨૦૧૨માં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં રાપર પાસેના ગામનાં જીવીબહેનના પેટમાં રહેલી ચાર કિલોની ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવી હતી. જોકે ઑપરેશન સમયે બેદરકાર ડૉક્ટરો તેમના પેટમાં લોખંડની મોટી કાતર ભૂલી ગયા હતા અને ટાંકા લઈ લીધા હતા.
પેટમાં લોખંડની કાતર સાથે જીવી રહેલાં જીવીબહેનને પણ આ બાબતે કશી ખબર નહોતી. જોકે ગત એપ્રિલ મહિનામાં તેમને પેટમાં અસહ્ય દુખાવો ઊપડતાં તેઓ સિવિલ હૉસ્પિટલમાં સારવાર લેવા આવ્યાં ત્યારે ડૉક્ટરે તેમના પેટનો એક્સ-રે કઢાવતાં તેમના પેટમાં કાતર હોવાનું અને એના કારણે દુખાવો થતો હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરોએ ગઈ પહેલી એપ્રિલે જીવીબહેનના પેટનું ઑપરેશન કરી સફળતાપૂર્વક કાતર બહાર કાઢી લીધી હતી. જોકે ત્યાર બાદ જીવીબહેન ફરી સાજાં થઈ શક્યાં નહીં.
પાંચ મહિનાથી તેમને સિવિલ હૉસ્પિટલના પોસ્ટ-ઑપરેટિવ વૉર્ડમાં રાખવામાં આવ્યાં હતાં અને અંતે જીવીબહેને આખરી શ્વાસ લીધો હતો. જીવીબહેનના અમદાવાદમાં રહેતાં રિલેટિવ્સના જણાવ્યા પ્રમાણે જીવીબહેનનું મોત અકુદરતી હતું અને તબીબોની ઘોર બેદરકારીનો તે ભોગ બન્યાં હતાં અને તેઓ દ્વારા ટૂંક સમયમાં સિવિલ હૉસ્પિટલ અને બેદરકાર રહેલા તબીબો વિરુદ્ધ પોલીસ-ફરિયાદ પણ કરવામાં આવશે.
પોલીસ-સ્ટેશનમાં હજી સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.