અમદાવાદ,
ઘર કંકાસમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના ગોતા વિસ્તારમાં બની છે. પુત્રવધૂએ સાસુને રોડ મારીને તેમની હત્યા કર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ દોઢ કલાક સુધી પુત્રવધૂ લોહી સાફ કરતી હતી અને પતિ બારીથી અંદર આવી જતા હત્યાનો ખુલાસો થયો હતો. સોલા પોલીસે આરોપી ગર્ભવતી મહિલાની ધરપકડ કરી છે. શહેરના ગોતામાં પુત્રવધૂએ સાસુની હત્યા કરતા પોલીસ દોડતી થઈ હતી. ઘર કંકાસનો કરુણ અંજામ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સાસુ-વહુ વચ્ચેના ઝઘડા અવરાનવાર થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે પરંતુ સામાન્ય ઝઘડામાં સાસુ વહુ વચ્ચે લોહીયાળ ખેલ ખેલાયો હોય તેવી ઘટના અમદાવાદમાં બની હતી. રોયલ હોમ્સમાં રહેતી અને ફોટોમાં નીચી આંખો કરીને ઉભેલી આ વહુએ પોતાની સાસુની કરપીણ હત્યા કરી છે. ઘટનાની વાત કરીએ તો ગોતામાં આવેલા રોયલ્સ હોમમાં ૧૦૩ નંબરનાં મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે, પાડોસીઓએ પણ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહિ અને અચાનક અવાજ શાંત પડી ગયો.
પાડોશીઓ ને લાગ્યું કે, ઝઘડો બંધ થઈ ગયો. પરંતુ દરવાજાની અંદર બાજુ તો ખૂનીખેલ ખેલાયો હતો. પુત્રવધુએ સાસુને મોતના ઘાટ ઉતારી દીધી હતી. આરોપી પુત્રવધૂ નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશને સળગાવી દેવાની કોશિશ કરી હતી. જેમાં તેના હાથ પણ દાઝ્યા હતા. આ ઘટના દરમ્યાન નિકિતાનો પતિ દિપક સીડીઓથી ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે માતાની લાશ લોહીમાં લથપથ હતી. સોલા પોલીસે સાસુની હત્યાને લઈને પુત્રવધૂ નિકિતાની ધરપકડ કરી છે. ૧૦ મહિના પહેલા જ થયા હતા લગ્નમૂળ રાજસ્થાનનો આ અગ્રવાલ પરિવાર ૬ મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો.
મારબલનો વેપાર કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહે છે. ૧૦ મહિના પહેલા જ નિકિતા અને દિપકના લગ્ન થયા હતા. લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહિ દેતા તેમજ મ્હેંણાં ટોણા મારતા હતા. જેથી હત્યા કરી હોવાનું નિકિતાએ પોલીસ તપાસમાં જણાવ્યું. મહત્વ નું છે કે, નિકિતાએ તેના પતિને સાસુએ રૂમમાં પુરી દીધી હોવાનું કહીને ડ્રામા કર્યો હતો. આ કેસમાં દિપકે નિકિતાની પુરાવા નાશ કરવા મદદ કરી હોવાની શંકાને લઈને પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી છે. સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી છે.