ભારતીય માર્કેટમાં નંબર વન બનવા માટે મોબાઇલ કંપનીઓમાં જબરદસ્ત કોમ્પિટિશન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભારતમાં સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે ચાઇનીઝ કંપીનઓને પાછળ રાખીને નંબર વનનો તાજ પાછો મેળવ્યો છે. સેમસંગ(samsung) લગભગ બે વર્ષ પછી નંબર વન કંપની બની ગઈ છે. ભારતીય માર્કેટમાં સેમસંગે સૌથી વધુ હેન્ડસેટ્સ વેચ્યા છે.
ચાઇનીઝ કંપની શાઓમી પાછળ રહી ગઈ
ટેક સાઇટ બિઝનેસ ઇનસાઇટના અહેવાલ મુજબ સેમસંગે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય માર્કેટમાં જોરદાર કમબેક કર્યું છે. ભારતના 24 ટકા મોબાઇલ માર્કેટમાં હવે સેમસંગનો કબ્જો છે. જ્યારે શાઓમી (xiaomi) કંપની બીજા સ્થાને આવી છે. ચીની કંપની ઝિઓમીએ ભારતમાં 23 ટકા માર્કેટ કબજે કર્યું છે.
સેમસંગની નવી સ્ટ્રેટેજી સફળ રહી
નિષ્ણાતો કહે છે કે Samsung ભારતીય માર્કેટમાં દબદબો પાછો મેળવવા ઘણી મહેનત કરી છે. લોકડાઉન દરમિયાન કંપનીએ ઓનલાઇન સેલ પર વધુ ભાર મૂક્યો હતો. ઉપરાંત સેમસંગે દરેક સેગમેન્ટમાં એક પછી એક મોબાઇલ લોન્ચ કરીને ભારતના લોકોને અનેક ઓપ્શન આપ્યા હતા.
નોંધનીય છે કે ભારત-ચીન સરહદ પરના વિવાદ બાદ ભારતીય બજારમાં ચાઇનીઝ પ્રોડકટ્સના બહિષ્કારની લાગણી સર્જાઇ હતી.તેનો પણ થોડો ફાયદો Samsungને થયો હોવાનું મનાઇ રહ્યું છે.
જોકે બીજી બાજુ એ પણ હકીકત છે કે ચાઇનીઝ પ્રોડકટ્સના બહિષ્કારની મોટી અસર પડી નથી. તાજેતરમાં એમેઝોન અને ફલિપકાર્ટના ફેસ્ટિવ સેલમાં ચાઇનીઝ કંપનીઓના મોબાઇલ અને ગેઝેટ્સ પણ ધૂમ વેચાયા છે. એક અંદાજ મુજબ એક સપ્તાહના સેલમાં દર મિનિટે દોઢ કરોડ રુપિયાના ફોન વેચાયા હતા.