દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ અનહદ વધી ગયાના અહેવાલ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના આંકને વટાવી ગયો હતો. પર્યાવરણવાદીઓએ દાવો કર્યો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું
પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે આજે શુક્રવારે સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું. વિઝિબિલિટી ઘટી ઘઇ હતી અને વાહન ચાલકો તેમજ પગે ચાલનારા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરતા હતા. આનંદ વિહાર, જહાંગીરપુરા, બવાના, નરેલા, પંજાબી બાગ, પડપડગંજ, રોહિણી અને વઝીરપુરમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 380ના આંકડાને વટાવી ગયો હતો.
વિવિધ વિસ્તારના એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા જાહેર કર્યા
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વિવિધ વિસ્તારના એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા જાહેર કર્યા હતા. અત્રે એ યાદ રહે કે દિલ્હીની રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે દિવાળી પર ફોડાનારા ફટાકડા અંગે ખાસ ગાઇડ લાઇન બહાર પાડી હતી અને પ્રદૂષણ વધારનારા ફટાકડા ફોડતાં પકડાય એમને પાંચ વર્ષની જેલ અથવા એક કરોડ રૂપિયાના દંડની જાહેરાત કરી હતી.