આમ તો આવો આદેશ જરાય ખોટો નથી, પણ એ ધ્યાન ખેંચવાનું કામ ચોક્કસ કરે છે. રાજકોટને સ્વચ્છ શહેર બનાવવા માટે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઑર્ડર કર્યો છે કે રાજકોટ શહેરમાં આવેલા તમામ પેટ્રોલ-પમ્પ પર આવતા કસ્ટમર માટે તાત્કાલિક શૌચાલયની સુવિધા ઊભી કરવી, જો એ પંદર દિવસમાં ઊભી કરવામાં નહીં આવે તો પેટ્રોલ-પમ્પને સીલ કરવામાં આવશે. બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે આપણે ત્યાં પ્રો-મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની કલમ ૧૮૪ હેઠળ આ સુવિધા હોવી કમ્પલ્સરી છે, પણ એનો મોટા ભાગે અમલ નથી થતો.
રાજકોટ દેશનું પહેલું શહેર છે જ્યાં મ્યુનિસિપલ કમિશનરે આ પ્રકારનો આદેશ આપ્યો છે. બંછાનિધિ પાની થોડા સમય પહેલાં સ્માર્ટ સિટી અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમની પર્સનલ મીટિંગમાં તેમણે આ કલમનો ઉલ્લેખ કર્યો હતો. કહી શકાય કે આડકતરી રીતે આ બાબતની પરમિશન છેક પ્રાઇમ મિનિસ્ટર પાસેથી જ લઈને એનો અમલ કરવામાં આવ્યો છે.