નવી દિલ્હી : ફ્રાન્સે અલ કાયદાના આતંકવાદીઓ પર જોરદાર હુમલો કર્યો છે. ફ્રાન્સે માલીમાં આતંકીઓના ઠેકાણા પર હવાઈ હુમલો (એરસ્ટ્રાઇક) કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાંસની આ કાર્યવાહીમાં અલકાયદાના આશરે 50 આતંકવાદીઓ માર્યા ગયા છે. ફ્રાન્સે સોમવારે આ હુમલો કર્યો હતો. ફ્રાન્સે મિરાજ ફાઇટર જેટ અને ડ્રોન દ્વારા આ હુમલો કર્યો હતો.
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લે જણાવ્યું હતું કે આ હુમલામાં આતંકીઓના લગભગ 30 મોટરસાયકલો પણ નાશ પામ્યા છે. ફ્રેન્ચ એરફોર્સ દ્વારા હુમલો કરાયેલ વિસ્તાર ઇસ્લામિક આતંકવાદીઓના કબજામાં હતો. હુમલા દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા છે.
હુમલા પહેલા ડ્રોન દ્વારા સમગ્ર પરિસ્થિતિ વિશે માહિતી મેળવી લેવામાં આવી હતી. આતંકવાદીઓ ત્રણ દેશોની સરહદ પર મોટી સંખ્યામાં મોટરસાયકલો પર સવાર હતા. ડ્રોનથી બચવા માટે આતંકીઓએ ઝાડનો આશરો પણ લીધો હતો. આ માહિતીની પુષ્ટિ થયા પછી ફ્રાન્સે તેના બે મિરાજ લડાકુ વિમાનો મોકલ્યા અને મિસાઇલથી આતંકવાદીઓ પર હુમલો કર્યો.
સેનાના પ્રવક્તાએ કહ્યું કે ચાર આતંકવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સેનાના પ્રવક્તા અનુસાર, અલકાયદા આતંકવાદીઓનું આ જૂથ આર્મી બેઝ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. તેમની પાસેથી આત્મઘાતી હુમલા માટે વપરાતી મોટી માત્રામાં વિસ્ફોટક અને જેકેટ પણ મળી આવ્યા છે.