તંત્રની નિષ્ક્રિયતા: ખેડૂતોની રજૂઆત બાદ પણ કાયમી ઉકેલ શૂન્ય
માતર તાલુકાના પછાત અને સીમાડાના ગામો વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણગામમાં છેલ્લા 10 વર્ષથી દરવર્ષે વરસાદ પડ્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખેતરો માટે કુદરતી નહીં પણ વ્યવસ્થાકીય વિફળતાનું પરિણામ છે.
પાકો નિષ્ફળ: દલદલ બની ગયેલી જમીન ખેડૂતો માટે વિનાશરૂપ
આ વર્ષે પણ 1000થી વધુ વિઘાની ખેતી કરી શકાય તેવી જમીન પાણીમાં ગરકાવ થઈ છે. ખેતરોમાં 2.5થી 3 ફૂટ પાણી ભરાતા ડાંગર સહિતના પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. ખેડૂતોએ કહ્યું કે એક વિઘા દીઠ તેમને રૂ. 10,000 થી 15,000 નું નુકસાન થયું છે.
રજુઆતો છતાં જવાબદારી ટાળતું તંત્ર
સ્થાનિક લોકો કહે છે કે તેઓ વર્ષોથી રજૂઆતો કરતા આવ્યા છે. છતાં, તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના મૂળ પ્રશ્નોને આજદિન સુધી અનઉકેલ રાખવામાં આવ્યા છે.
નાળાઓમાં દબાણ અને સફાઈના અભાવે નિકાલ થયો બંધ
વાલોત્રી અને દલોલી વચ્ચેના નાળાઓ અને ગટરોમાં દબાણ સર્જાતા પાણી નિકળી શકતું નથી. ખેડૂતોનું માનવું છે કે સીંજીવાડા કાંસની તાત્કાલિક ઊંડાણ અને પહોળાઈ વધારવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવી હાલત ટાળી શકાય.
તંત્રની નિંદ્રા કે નિષ્ફળતા?
ભારે વરસાદ પછી આવેલા આ પૂર જેવી પરિસ્થિતિ સામે તંત્ર હજુ સુધી જાગૃત થયું નથી. હવે ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર હવે નક્કર પગલાં લેશે કે પાછું એક વાર ફરી દેખાવ પૂરતું કામ કરીને ફરી સૂઈ જશે?
મામલાની ગંભીરતા જોઈ ધારાસભ્ય કલ્પેશ પરમાર તરત જ વાલોત્રી ગામે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને તાત્કાલિક પાણીના નિકાલ માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપી. સાથે જ, આવનારા વર્ષોમાં ફરી આવું ન બને તે માટે વ્યવસ્થા કરવા તાકીદ કરી.