મુંબઈ : અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીએ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંબંધિત ડ્રગ્સ કેસમાં જામીન અરજી કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને શોવિકે મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટમાં અરજી કરી છે.
શોવીકની જામીન અરજીને સેશન્સ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટે નામંજૂર કરી હતી. હવે શોવિકના વકીલ સતીષ માનશીંદે દ્વારા દાખલ જામીન અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે નિવેદનો સ્વીકાર્ય પુરાવા ગણી શકાય નહીં. તમામ નિવેદનો એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ નોંધવામાં આવ્યા છે અને આરોપીના નિવેદનો સુનાવણી દરમિયાન કબૂલાત તરીકે વાપરી શકાતા નથી.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની ખંડપીઠે બેના મત સાથે આદેશ આપ્યો હતો. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ નોંધાયેલા આરોપીઓનાં નિવેદનો સુનાવણી દરમિયાન કબૂલાત તરીકે વાપરી શકાય નહીં. આવા કિસ્સાઓમાં, નક્કર પુરાવાઓની જરૂર પડશે.
એક મહિના પહેલા બોમ્બે હાઈકોર્ટે શોવેકની જામીન નકારી કાઢી હતી. રિયા ચક્રવર્તીને જામીન અપાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં બંનેની એનસીબી દ્વારા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.