ભૂકંપ અને સુનામીના ભય વચ્ચે ફુકુશિમા પ્લાન્ટ ખાલી, હજારો જહાજો હોનોલુલુથી ખસેડાયા
રશિયાનાં દૂર પૂર્વ વિસ્તારમાં આવેલા ભયાનક ભૂકંપે આખા પેસિફિક પ્રદેશને હચમચાવી દીધો છે. 8.7ની તીવ્રતાવાળું આ ભૂકંપ કામચાટકા ક્ષેત્રમાં આવ્યું હતું, જેના થોડા સમયમાં જ જાપાન, અમેરિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં સુનામી ચેતવણી જાહેર કરાઈ.
ભૂકંપનું કેન્દ્ર દરિયાની નીચે ઓછી ઊંડાઈએ હતું, જેના કારણે જોરદાર આંચકા અને લગભગ 30થી વધુ આફ્ટરશોક નોંધાયા. સુનામીની શક્તિ ધ્યાનમાં રાખીને, જાપાનના ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટને તરત ખાલી કરાયો અને 19 લાખથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી.
ફુકુશિમા પ્લાન્ટની નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં મોજા અથડાતા હોવાની નોંધ થઈ છે. જોકે હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. 2011ના વિનાશક ભૂકંપ-સુનામીની કડવી યાદ તાજી થતાં જાપાન સરકારે સંપૂર્ણ એલર્ટ જાહેર કર્યો છે.
હવાઈના હોનોલુલુ બંદર પરથી લગભગ 90 જેટલાં નાવલ જહાજો તરત ખસેડવામાં આવ્યા. હવાઈના ગવર્નરે જણાવ્યું કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ગંભીર અસર જોવા મળતી નથી. તેમ છતાં સાવચેતીરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દક્ષિણ અમેરિકાના ચિલી, પેરુ, ઇક્વાડોર, મેક્સિકો અને પનામા સહિતના દેશો પણ એલર્ટ પર છે. કેટલાક બંદરો બંધ કરાઈ ગયા છે અને નાવિક ગતિવિધી રોકી દેવામાં આવી છે. પેરુ અને ઈક્વાડોરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યાં છે.
ફ્રેન્ચ પોલિનેશિયામાં પણ 13 ફૂટ જેટલા મોજાની ચેતવણી આપવામાં આવી છે. અહીં માર્કેસાસ ટાપુઓના 10,000 લોકોને સ્થળાંતરની સૂચના આપવામાં આવી છે.
આ ઘટનાઓ ફરી એકવાર દર્શાવે છે કે ટેક્ટોનિક પ્લેટોની અચાનક હિલચાલ કેવી રીતે વૈશ્વિક સ્તરે અસર પેદા કરી શકે છે – ખાસ કરીને રિંગ ઓફ ફાયર જેવા ખતરનાક વિસ્તારોમાં.