વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે નર્મદા યોજનાને દેશને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ ગઈ કાલે સરકારી નોંધ અને રેકૉર્ડ દર્શાવીને દાવો કરીને આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકારે નર્મદા યોજનામાં ૧૮,૦૦૦ કરતાં વધારે કિલોમીટર નહેરોની લંબાઈ ઘટાડી છે. ચૂંટણીના પ્રચાર માટે સરકાર નર્મદા મહોત્સવ ઊજવી રહી છે અને હેતુપૂર્વક ખેડૂતો સાથે ગુનો આચરે છે.
સુરેશ મહેતાએ નર્મદા યોજનાની વિગતો આપતાં કહ્યું હતું કે ‘મૂળ દસ્તાવેજો અને આયોજન મુજબ નર્મદા યોજનામાં નહેરોની કુલ લંબાઈ ૯૦,૩૮૯ કિલોમીટર હતી. એમાં ૪૫૮ કિલોમીટર મુખ્ય નહેરનો અને ૮૯,૯૩૧ કિલોમીટર અન્ય નહેરોનો સમાવેશ થતો હતો એમ કૅગનો અહેવાલ કહે છે. વિધાનસભામાં અપાયેલા એક જવાબ મુજબ રાજ્ય સરકારે નહેરોની લંબાઈ ઘડાટીને ૮૫,૮૯૮ કિલોમીટરની કરી હતી. ફરી એક વાર એમાં ઘટાડો કરવામાં આવ્યો અને જૂન–૨૦૧૭ના નર્મદા યોજનાના સરકારી પ્રગતિ-અહેવાલ અનુસાર નહેરોની લંબાઈ ઘટાડીને ૭૧,૭૪૮ કિલોમીટર કરવામાં આવી છે. આમ ગુજરાત સરકારે આશરે ૧૮,૦૦૦ કરતાં વધારે કિલોમીટર નહેરોની લંબાઈ ઘટાડી છે. જૂન–૨૦૧૭ના ગુજરાત સરકારના પ્રગતિ-અહેવાલ અનુસાર ૨૨,૬૭૭ કિલોમીટરની નહેરો બાંધવાનું કામ બાકી છે.’
મૂળ આયોજન પ્રમાણે નર્મદા યોજનાનો કુલ ખર્ચ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો, પણ ઑક્ટોબર–૨૦૧૬ સુધીમાં ૫૬,૨૮૬ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. જોકે મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ દ્વારા ૨૦૧૨માં નર્મદા યોજનાનો ખર્ચ ૭૨,૦૦૦ કરોડ રૂપિયા થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
આક્ષેપ કરતાં સુરેશ મહેતાએ કહ્યું હતું કે ’ગુજરાત સરકાર નર્મદા યોજના વિશે ગુનાહિત રીતે બેદરકારી રહી છે. નર્મદા મહોત્સવ ઊજવવો હોય તો ખેડૂતોનાં ખેતરો સુધી પાણી પહોંચાડો. આ મહોત્સવ માત્ર રાજકીય લાભ ખાટવા સિવાય બીજું કશું નથી.’
જો આજે સરદારસાહેબ હોત તો સૌથી વધુ દુ:ખી હોત
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ ગુજરાત સરકાર સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘જો સરદારસાહેબ આજે હોત તો સૌથી વધુ દુ:ખી હોત. અમે નર્મદા યોજનાના આગ્રહી છીએ, વિરોધી નથી. સરદારસાહેબની પ્રતિભાને નુકસાન કરનાર કોઈ હોય તો એ નરેન્દ્ર મોદીની એ વખતની સરકાર હતી. સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીએ હાથ ધર્યો. એજન્સી ઊભી કરવી અને એ ફન્ડિંગ ઊભું કરીને સ્ટૅચ્યુ બનાવશે એવું આયોજન હતું, પરંતુ ખેડૂતોના પૈસા બજેટરી પ્રોવિઝનમાંથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે જાય છે અને ગુજરાતના ખેડૂતોના પૈસા ચીનના કારીગરો પાસે જાય છે. આ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ૨૦૧૮માં પૂરું કરવું છે, કેમ કે ૨૦૧૯ની પાર્લમેન્ટની ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે આ સ્ટૅચ્યુ ઑફ યુનિટી છે.’