લોન ઉપર લોન લેવી છે? આ ૫ બાબતોનું ધ્યાન રાખશો તો બેંક સામે ચાલીને આપશે બીજી લોન
જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યારે આર્થિક મદદ માટે આપણે બેંક પર નિર્ભર રહેવું પડે છે. ક્યારેક ઘર લેવા માટે, ક્યારેક બાળકોના અભ્યાસ માટે તો ક્યારેક મેડિકલ ઈમરજન્સીમાં લોન લેવી પડે છે. પરંતુ સૌથી મોટી મુંઝવણ ત્યારે થાય છે જ્યારે આપણી એક લોન પહેલેથી જ ચાલતી હોય અને અચાનક બીજા લોનની જરૂર પડે. શું એક લોન ચાલુ હોય તો બીજી લોન મળી શકે? જવાબ છે ‘હા’, પણ તેના માટે બેંકો એક ખાસ ગણિત લગાવે છે, જેને FOIR (Fixed Obligation to Income Ratio) કહેવામાં આવે છે.
સૌથી પહેલો સવાલ: બેંક તમારી ક્ષમતા કેવી રીતે માપે છે?
જ્યારે તમે બીજી લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક માત્ર તમારો પગાર નથી જોતી. બેંક માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી બધી જ ચાલુ લોન (Current Liabilities) ચૂકવ્યા પછી તમારી પાસે ઘર ચલાવવા માટે કેટલા પૈસા વધે છે.
નિષ્ણાતોના મતે, બેંક તમારી ‘ગ્રોસ મંથલી ઇન્કમ’ (કુલ માસિક આવક) તપાસે છે. તેમાંથી તમારી અત્યારની બધી EMI—જેમ કે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડના હપ્તા—બાદ કરવામાં આવે છે. આ બધું બાદ કર્યા પછી જે રકમ વધે છે, તેના પરથી નક્કી થાય છે કે તમે નવી લોનનો હપ્તો ભરી શકશો કે નહીં.
શું છે 50% FOIR નો ફોર્મ્યુલા?
બેંકિંગની ભાષામાં તેને ‘ફિક્સ્ડ ઓબ્લિગેશન ટુ ઇન્કમ રેશિયો’ કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, બેંક ઈચ્છે છે કે તમારી બધી જ લોનના હપ્તા (નવી લોન સહિત) તમારી કુલ આવકના 50% થી 60% થી વધુ ન હોવા જોઈએ.
ઉદાહરણ તરીકે: ધારો કે તમારો માસિક પગાર 1,00,000 રૂપિયા છે. બેંકના 50% FOIR ના નિયમ મુજબ, તમારા કુલ હપ્તા 50,000 રૂપિયાથી વધુ ન હોવા જોઈએ. જો તમારી જૂની લોનનો હપ્તો 30,000 રૂપિયા છે, તો બેંક તમને વધુમાં વધુ 20,000 રૂપિયા સુધીનો નવો હપ્તો આવી શકે તેટલી જ લોન આપશે. જો તમે 50% ની મર્યાદા વટાવી રહ્યા હોવ, તો તમારી લોન રિજેક્ટ થવાની શક્યતા વધી જાય છે.
બેંક શા માટે આટલી સાવચેતી રાખે છે?
કોઈપણ બેંક કે NBFC (નોન-બેંકિંગ ફાયનાન્શિયલ કંપની) એ સુનિશ્ચિત કરવા માંગે છે કે લોન લેનાર વ્યક્તિ ડિફોલ્ટ ન કરે. જો તમારી આવકનો મોટો ભાગ માત્ર હપ્તા ભરવામાં જ જતો રહે, તો મોંઘવારીના જમાનામાં ઘરના અન્ય ખર્ચાઓ (ખોરાક, ભાડું, શિક્ષણ) કાઢવા મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિ હપ્તા ભરવામાં વિલંબ કરી શકે છે, જે બેંક માટે જોખમી છે.
લોન લેતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
-
સત્ય છુપાવશો નહીં: ઘણા લોકો લોન લેવા માટે પોતાની જૂની લોનની વિગતો છુપાવતા હોય છે. પરંતુ યાદ રાખો, બેંક તમારો ‘CIBIL રિપોર્ટ’ ચેક કરે છે, જેમાં તમારી દરેક નાની-મોટી લોન અને ક્રેડિટ કાર્ડની વિગતો હોય છે. જો તમે માહિતી છુપાવશો, તો બેંક તમારી અરજી નકારી શકે છે અને તમારી વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠી શકે છે.
-
CIBIL સ્કોર સુધારો: જો તમારો ક્રેડિટ સ્કોર 750 થી ઉપર હશે, તો બેંક તમને FOIR માં થોડી છૂટછાટ આપી શકે છે અથવા ઓછા વ્યાજ દરે લોન ઓફર કરી શકે છે.
-
દેવું ઓછું કરો: નવી લોન લેતા પહેલા જો શક્ય હોય તો નાની પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનું લેણું પૂરું કરી દેવું જોઈએ. આનાથી તમારી લોન લેવાની ક્ષમતા (Eligibility) વધી જાય છે.

