નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે મંગળવારે જણાવ્યું હતું કે છૂટાછેડાનો ખટલો ચલાવતી અદાલતને જો અલગ થયેલા પતિ-પત્ની વચ્ચે સમાધાન થવાની કોઇ શક્યતા ન લાગે તો તે સમજૂતી માટે અપાતો ઓછામાં ઓછો છ મહિનાનો સમય રદ કરી શકે છે. છૂટાછેડા માટે અરજી કરનારા પતિ-પત્નીને સમાધાનનો ઓછામાં ઓછો છ મહિનાનો સમય આપવાની જોગવાઇ હિંદુ લગ્ન ધારા, ૧૯૫૫માં છે. ન્યાયમૂર્તિ એ. કે. ગોયલ અને ન્યાયમૂર્તિ યુ. યુ. લલિતની બનેલી બૅન્ચે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે સંબંધિત કાયદાની કલમ ૧૩બી(૨)માં અપાયેલો સમાધાન માટેનો સમય આપવો ફરજિયાત નથી અને ખટલો ચલાવતી અદાલત પોતાની મુનસફીના આધારે આ સંબંધમાં નિર્ણય લઇ શકે છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અમુક સ્થિતિમાં પતિ-પત્નીને સમાધાનનો અપાતો સમય છ મહિનાથી પણ ઘટાડી શકાય છે. પ્રથમ મૉશનના એક અઠવાડિયા પછી સમાધાનનો આ સમય રદ કરવા અરજી કરી શકાય. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જો કોઇ પક્ષકાર કે પક્ષકારો યોગ્ય કારણસર સુનાવણી વખતે ગેરહાજર રહ્યા હોય તો ખટલો ચલાવતી અદાલત પતિ-પત્નીના માતા-પિતા કે ભાઇઓ-બહેનોની પણ રજૂઆત સાંભળવા માટે વીડિયૉ કૉન્ફરન્સિંગનું માધ્યમ પણ વાપરી શકે છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે છૂટાછેડા ઇચ્છતા પતિ-પત્નીને સમાધાન માટે સમય આપવા પાછળનો મૂળ હેતુ ઉતાવળે લેવાયેલા નિર્ણયની સામે દાંપત્યજીવન ટકાવી રાખવાનો છે. તેણે જણાવ્યું હતું કે છૂટાછેડા ટાળીને દાંપત્યજીવન ટકાવવા બનતા દરેક પ્રયાસ થવા જોઇએ. બૅન્ચે જે કૅસની સુનાવણી વખતે સંબંધિત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તેમાં એક દંપતીએ (પતિ-પત્નીએ) છૂટાછેડા માટેની અરજીમાં જણાવ્યું હતું કે અમે છેલ્લાં આઠ વર્ષથી અલગ રહેતા હોવાથી સમાધાનની હવે શક્યતા નથી અને તેને લીધે સમજૂતી માટે છ મહિનાનો સમય આપવાનો સવાલ જ ઊભો નથી થતો. |


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.