રાજ્યની ટ્રાફિક પોલીસ દંડ નહીં કરે પણ વાહનચાલકને સમજાવીને જવા દેશે. કોરોના વચ્ચે દિવાળીની ઉજવણી ફીક્કી જણાઈ રહી છે. દિપાવલીના દૈદિપ્યમાન દિવસો આવશે અને જતાં રહેશે એવી માનસિકતા વચ્ચે નાગરિકો તહેવારની ઉજવણીમાં ગળાડૂબ બન્યાં છે. બજારમાં ભીડ જોવા મળી રહી છે એવા સમયે ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીથી લોકોમાં આક્રોશ જોવ મળતો હતો. મંદી વચ્ચે પણ લોકો ફેસ્ટીવલ મૂડમાં જઈ રહ્યાં છે તેવા તબક્કે પોલીસ પબ્લિક ફ્રેન્ડલી બની છે. દિવાળીના તહેવાર દરમિયાન પોલીસને પાંચ દિવસ રજા આપવામાં નહીં આવે. શહેર પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ અપાયાં છે. જ્યારે, એસઆરપીની બે કંપનીને રિઝર્વ રાખવામાં આવી છે.
શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી તેજસ પટેલે જણાવ્યું કે, તહેવારોમાં ખરીદીની ભીડ એકત્ર થાય છે ત્યારે ટ્રાફિકને અડચણ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ સક્રિય રહેશે. ટ્રાફિક પોલીસ લોકોના પબ્લિક ફ્રેન્ડલીને બનીને ફેસ્ટીવલ મૂડ ડીસ્ટર્બ કરવા નથી માંગતી. ટ્રાફિક પોલીસ દંડ કરવાના બદલે નાગરિકોને સમજ આપશે. ટ્રાફિક નિયમભંગ બાબતે પોલીસ ગાઈડન્સ આપીને લોકોને ગાઈડ કરશે. તહેવારના દિવસો ચાલી રહ્યાં છે અને નાગરિકો ફેસ્ટીવલ મૂડમાં સક્રિય છે. નાગરિકો મોટી સંખ્યામાં બહાર નીકળે છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
ઉલ્લેખનીય છે કે બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ અને ડ્રાઈવિંગની સમસ્યા સર્જાયેલી રહે છે. આ સમસ્યા નિવારવા માટે આ વર્ષે તહેવારોમાં માત્રને માત્ર દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે લોકોને સમજાવટથી કામ લેવામાં આવશે. એકંદર, તહેવારો દરમિયાન નાગરિકોને ટ્રાફિક દંડમાંથી મુક્તિ મળશે. દિવાળીના તહેવારો દરમિયાન ચોરી અને આંતરિક વિવાદોની સિૃથતિ નિવારવા માટે પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવા આદેશ આપવામાં આવ્યાં છે. શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓને પાંચ દિવસ રજા નહીં લેવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનદીઠ બજાર વિસ્તારોમાં આવતા બજારો અને ભીડભાડ થતી હોય તેવા વિસ્તારોમાં પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
જ્યારે, ચોરી અને ચેઈન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ કન્ટ્રોલ રૂમ ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, શહેરના પોલીસ સ્ટેશનોમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં એસ.આર.પી.ની બે કંપનીને રિઝર્વ રાખવામાં આવી છે. એકંદરે, શહેરમાં દિપાવલી પર્વમાળાની ઉમંગભરી ઉજવણી થાય તે માટે પોલીસે આવશ્યક આયોજન કર્યાં છે. શહેર પોલીસ હવે કોરોના સામેની ફાઈટમાં માસ્ક વિતરણની કામગીરી વેગવંતી બનાવી રહી છે.
શહેરના મુખ્ય બજાર વિસ્તાર ભદ્ર, રિલીફ રોડ વગેરે વિસ્તારમાં સ્થાનિક પોલીસ જે નાગરિકો માસ્ક પહેર્યાં વગર નીકળે તેને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવે છે. એ જ રીતે પરાં વિસ્તારના બજારોમાં પોલીસ સ્ટેશનો દ્વારા માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે તહેવારો દરમિયાન માસ્ક વગર નીકળતાં નાગરિકો પાસેથી દંડ વસૂલાત સહિતની કામગીરી હાલ કરવામાં આવતી નથી. તહેવારમાં લોકો સામે રોકડ દંડ વસૂલાતની દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે માસ્ક આપીને સમજાવટ કરવામાં આવે છે. એ જ રીતે ટ્રાફિક પોલીસ પણ જે વાહનચાલક માસ્ક વગર નીકળે તેને મફત માસ્ક વિતરણ કરી રહી છે.