મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીનગરમાં મૂકવામાં આવેલા બુલેટ ટ્રેનના મૉડલ પર હાથ અજમાવ્યો હતો.
ગાંધીનગરમાં મૂકવામાં આવેલા બુલેટ ટ્રેનના મૉડલને નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબેએ નિહાળ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ મૉડલમાં બેસીને બુલેટ ટ્રેનનું સંચાલન કઈ રીતે થાય છે અને એની ટેક્નિકલ માહિતીની જાણકારી મેળવી હતી. બુલેટ ટ્રેનને સિમ્યુલેટરથી સમજાવવાનો અહીં રોમાંચક પ્રયાસ થયો હતો અને નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનના મૉડલમાં બેસીને એનું સંચાલન જાણ્યું હતું. સિમ્યુલેટર સામે એક પડદા પર એને લાઇવ બતાવાતું હોવાથી વ્યક્તિ જાણે બુલેટ ટ્રેનમાં બેઠો હોય એવો અનુભવ થતો હતો. નરેન્દ્ર મોદીએ અધિકારી પાસેથી રસપૂર્વક આ ટ્રેન વિશે માહિતી જાણી હતી.
બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન કરવા મુંબઈ આવજો : દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગમાં ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઍડ્વાન્સમાં આમંત્રણ આપ્યું હતું કે બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન કરવા મુંબઈ આવજો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપતાં કહ્યું હતું કે ‘તમે આજે અમદાવાદમાં બુલેટ ટ્રેનની નીંવ રાખી છે, પણ બહુ જલદીથી આ કામ પૂરું કરીશું અને વડા પ્રધાનને નિવેદન છે કે આનું ઉદ્ઘાટન કરવા ટ્રેનમાં બેસી મુંબઈ આવો ને મુંબઈમાં ઉદ્ઘાટન કરજો. દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમને મળી રહી છે એનો વધુ લાભ બે રાજ્યોને મળશે. રોજગાર મળશે અને GDPમાં વધારો થશે. નવા ભારત તરફ જઈ રહ્યા છીએ એની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે અને મુંબઈ સુધી જશે.’