હ્યુન્ડાઈ ઈન્ડિયાના ૩૦ વર્ષ: ૧.૩૫ કરોડ વાહનોના વેચાણ સાથે રચી હિસ્ટ્રી; ૨૦૩૦ સુધીમાં ૨૬ નવી કાર લોન્ચ કરવાની તૈયારી
ભારતીય રસ્તાઓ પર પોતાની એક અલગ ઓળખ ઉભી કરનાર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ભારતમાં ૩૦ વર્ષનો શાનદાર સફર પૂર્ણ કર્યો છે. ૧૯૯૬માં ભારતીય બજારમાં પગ મૂકનાર આ કંપનીએ આજે દરેક ભારતીયના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ખાસ પ્રસંગે કંપનીએ જણાવ્યું હતું કે, આ ત્રણ દાયકા દરમિયાન તેણે કુલ ૧.૩૫ કરોડથી વધુ વાહનોનું વેચાણ કર્યું છે. આ આંકડામાં ૯૬ લાખ ગાડીઓ ભારતની અંદર વેચાઈ છે, જ્યારે ૩૯ લાખથી વધુ ગાડીઓ ભારતના પ્લાન્ટમાંથી વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી છે.
રોકાણ અને ભવિષ્યનું વિઝન
હ્યુન્ડાઈએ માત્ર ગાડીઓ જ નથી વેચી, પરંતુ ભારતીય અર્થતંત્રમાં પણ મોટું યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં કંપનીએ ભારતમાં અંદાજે ₹૪૦,૭૦૦ કરોડનું રોકાણ કર્યું છે. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. કંપનીએ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬ થી ૨૦૩૦ વચ્ચે તે ભારતમાં વધુ ₹૪૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે. આ જંગી રકમનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો (EV), નવી ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે.
સૌથી રોમાંચક વાત એ છે કે, હ્યુન્ડાઈ ૨૦૩૦ સુધીમાં ૨૬ નવા મોડલ અને તેના વેરિઅન્ટ્સ લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે, જે ભારતીય ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડશે.
ઉત્પાદન ક્ષમતામાં મોટો ઉછાળો
કંપનીએ તેનું પહેલું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચેન્નાઈ પાસે શ્રીપેરંબદુરમાં ૧૯૯૬માં સ્થાપ્યું હતું, જેણે ૧૯૯૮થી કાર્ય કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ, ૨૦૨૫માં પુણેના તાલેગાંવમાં બીજો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો.
વર્તમાન ક્ષમતા: અત્યારે બંને પ્લાન્ટ મળીને વર્ષે ૯.૯૪ લાખ વાહનો બનાવી શકે છે.
ભવિષ્યનું લક્ષ્ય: કંપનીનું લક્ષ્ય છે કે ૨૦૨૮ સુધીમાં આ ક્ષમતા વધારીને વાર્ષિક ૧૦.૭૪ લાખ યુનિટ કરવામાં આવે.
નિકાસનું મોટું હબ બન્યું ભારત
હ્યુન્ડાઈ માટે ભારત માત્ર એક બજાર નથી, પણ વિશ્વ માટે ગાડીઓ બનાવવાનું કેન્દ્ર (Export Hub) બની ગયું છે. મેડ-ઇન-ઇન્ડિયા હ્યુન્ડાઈ કાર આજે સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, ચિલી અને પેરુ જેવા દેશોમાં દોડી રહી છે. નિકાસના આંકડા જોઈએ તો કંપનીએ ૨૦૦૮માં ૫ લાખ, ૨૦૧૦માં ૧૦ લાખ અને ૨૦૨૬ સુધીમાં ૩૯ લાખ ગાડીઓ એક્સપોર્ટ કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
દેશભરમાં મજબૂત નેટવર્ક અને સેવા
હ્યુન્ડાઈની સફળતા પાછળ તેનું વિશાળ નેટવર્ક પણ જવાબદાર છે. આજે કંપની ભારતના ૭૮% જિલ્લાઓને આવરી લે છે.
શોરૂમ: ૧,૧૦૦થી વધુ શહેરોમાં ૧,૫૦૦થી વધુ આઉટલેટ્સ.
સર્વિસ: ૧,૬૭૫ સર્વિસ પોઈન્ટ્સ અને ૧૬૨ મોબાઈલ સર્વિસ વેન.
મેનપાવર: ૫૦,૦૦૦થી વધુ કુશળ સર્વિસ પ્રોફેશનલ્સ ગ્રાહકોની સેવા માટે કાર્યરત છે.

