નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઇ છે. ગઇકાલે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 17ના મોત થયા હતા. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના બની છે. જેમાં ખંભાળિયામાં કાર નદીમાં ખાબકતા બે મહિલાના મોત થયા છે. તો અમદાવાદના નહેરુબ્રિજ પર AMCના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી કારના ચાલકે સાઈકલ સવારને અડફેટે લેતા સાઈકલ સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
બનાવની વિગતો એવી છેકે, AMCના કોન્ટ્રાક્ટ હેઠળ શહેરભરમાં વડીલ સુખાકારી સેવા કાર દોડાવવામાં આવે છે. આજે સવારે નહેરુબ્રિજ પર આ કોન્ટ્રાક્ટ હેઠળની એક કાર પસાર થઇ રહી હતી. એ સમયે કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારીને ત્યાંથી પસાર થતાં સાઈકલ સવારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં સાઈકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.