જન વિકલ્પને સમર્થન આપ્યું, તમામ સીટ પર ઉમેદવાર ઊભા રાખશે
કૉન્ગ્રેસ સાથે છેડો ફાડનાર દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના દુખી નાગરિકોની વેદનાને વાચા આપવા માટે રચાયેલા જન વિકલ્પને સમર્થન જાહેર કરીને ગઈ કાલે એવી જાહેરાત કરી હતી કે ૨૦૧૭ની ચૂંટણીમાં હું જન વિકલ્પનો પ્રયોગ કરવા જઈ રહ્યો છું, જોકે હું ચૂંટણી નહીં લડું.
આ જાહેરાત કરીને શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં ત્રીજો મોરચો ખૂલ્યો છે એને જાહેરમાં સમર્થન આપ્યું છે અને જન વિકલ્પ મોરચો ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે એવી જાહેરાતને પગલે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.
શંકરસિંહ વાઘેલાએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘થોડા સમય પહેલાં કેટલાક મિત્રોએ એકઠા થઈને સર્વે કર્યો હતો અને મિસ્ડ કૉલ દ્વારા અભિયાન આદર્યું હતું. એમાં લોકોને BJP કે કૉન્ગ્રેસ ગમતી નથી એવું જણાયું હતું. આ મિત્રોએ મને મળીને જણાવ્યું હતું કે બાપુ, આ પાર્ટી નથી પણ આ મોરચો છે. જે દુખી લોકો છે તેમની વેદનાને વાચા આપાય એવું કંઈક કરો અને તમે અમને લીડ કરો. આ મિત્રોને મદદ કરવા હું જન વિકલ્પ ફ્રન્ટને સમર્થન આપું છું. આ થર્ડ ફ્રન્ટ ઇલેક્શન લડશે અને શક્ય હશે તો ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે. સ્થાનિક લોકો જ ઉમેદવારની પસંદગી કરશે. હિન્દુસ્તાનની પાર્ટીઓ હાઈ કમાન્ડના આધારે જીવી રહી છે, જ્યારે જન વિકલ્પ ફ્રન્ટમાં નાગરિકો જ સર્વોપરી હશે.’
બાપુ કહે છે કે પહેલા નોરતાથી અંબાજીમાં માતાજીને પ્રાર્થના કરી કૅમ્પેન શરૂ કરીશ, હું ચૂંટણી નહીં લડું
ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલ્યો નથી એવી વાતનો છેદ ઉડાડતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ચીમનભાઈ તેમ જ બાબુભાઈ ત્રીજો વિકલ્પ હતા. ગુજરાતમાં જન વિકલ્પ ચાલશે. દેશમાં તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હીમાં પણ થર્ડ ફ્રન્ટ છે તો ગુજરાતમાં કેમ ન હોય? ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ન ચાલે એવું નથી. દિલ્હીમાં ખ્ખ્ભ્ સૌથી મોટું ઉદાહરણ છે. પ્રજાને હું કહીશ કે વોટ અને નોટ તમારે નક્કી કરવાના છે. ગુજરાતના લોકોને અપીલ કે તમારો સ્વાર્થ સાંધવા ન આવતા, પણ આમાં સીધા થઈને આવજો. ગુજરાતની પબ્લિકને હું કરગરવાનો નથી, પણ તમારે છૂટવું હોય તો આવજો, મારે ગરજ નથી. મારા માટે મત ન આપતા, તમારા ભવિષ્ય માટે, તમારા પરિવાર માટે મત આપવો હોય તો આવો. પ્રજાને તેમનો પ્રૉબ્લેમ સૉલ્વ કરે એવું લાગે તો આમાં જોડાય.’
પહેલી નવરાત્રિએ અંબાજીમાં માતાજીને પ્રાર્થના કરી જન વિકલ્પનું કૅમ્પેન શરૂ કરીશું એમ જણાવતાં બાપુએ કહ્યું હતું કે ‘પહેલા નોરતે વૈજનાથ મહાદેવ જઈશું. ત્યાંથી મહુડી, ખેડબ્રહ્મા, અંબાજી, મગરવાડામાં મણિભદ્રવીરનાં દર્શન ને ત્યાંથી ઊંઝા ઉમિયા માતાજી અને મીરા દાતાર જઈશું અને દર્શન કરીશું.’
ગુજરાતમાં BJP પ્રત્યેનો પ્રજાનો આક્રોશ છે એને ડાઇવર્ટ કરવા માગો છો? એવા પ્રશ્નના ઉત્તરમાં શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘જન વિકલ્પ ફ્રન્ટ, BJPની ગ્ ટીમ નથી. તમારા કરતાં BJPને હું વધુ ઓળખું છું, આ મૅચફિક્સિંગ નથી. હું પૉલિટિકલ પાર્ટીની ટીકા કરીશ, પણ નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીની ટીકા નહીં કરું.’
જાહેરાત પાછળ કરોડો ખર્ચાય છે એને બદલે યુવાનોને રોટલો આપો : બાપુ
હિન્દુસ્તાનની પાર્ટીઓ હાઈ કમાન્ડના આધારે જીવી રહી છે. લોકશાહીમાં ડેમોક્રસી હોવી જોઈએ, પણ પૉલિટિકલ પાર્ટીમાં ડેમોક્રસી છે? એવો પ્રશ્ન શંકરસિંહ વાઘેલાએ ઉઠાવીને રાજકીય પક્ષોને સાણસામાં લીધા હતા.
બાપુએ BJP અને કૉન્ગ્રેસ સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા. BJP સરકાર પર ચાબખા મારતાં કહ્યું હતું કે ‘જાહેરાતમાં કરોડો ખર્ચાય છે એને બદલે યુવાનોને રોટલા આપો. લોકો માટે સરકાર બનાવી હોય તો લોકો તો આમાં છે જ નહીં. રૅલી–ધરણાં માટે પરમિશન મળતી નથી. સરકાર પણ સાંભળતી નથી. લાય લાગી છે. ગુજરાતની પબ્લિકમાં બધું બરાબર નથી એવું જણાઈ રહ્યું છે.’
કૉન્ગ્રેસ ભૂતકાળ થઈ ગઈ છે અને BJP જે દિશામાં જઈ રહી છે એનો ૨૦૧૭માં અનુભવ થશે. મૅચફિક્સિંગથી પાર્ટીઓ ચાલે છે. મને ખબર પડી કે રાજ્યસભાની સીટની મોટી સોદાબાજી થઈ છે માટે થઈને વ્યક્તિગત રીતે બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો. ક્યાંક ને ક્યાંક કોઈ ઠેકાણે મૅચફિક્સિંગ ચાલી રહ્યું છે, BJP ટુ કૉન્ગ્રેસ. રાજ્યસભા એનો વરવો પુરાવો છો.
શું છે આ જન વિકલ્પ?
‘BJP અને કૉન્ગ્રેસનો, હા વિકલ્પ છે’, ‘પક્ષ અને વિપક્ષનો, હા વિકલ્પ છે’ આ લખાણ સાથે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જન વિકલ્પનાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં. ગુજરાતના વિચારશીલ યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલું આ ગ્રુપ છે, જેમાં હાઇલી એજ્યુકેટેડ યુવાનો જોડાયા છે. આ ગ્રુપે ગુજરાતમાં ઘ્પ્ તરીકે ઍક્સેપ્ટેબલ કોણ? એનો સર્વે કર્યો હતો, જેમાં શંકરસિંહ વાઘેલાનું નામ સામે આવ્યું હોવાનું જન વિકલ્પ દ્વારા કહેવામાં આવ્યું છે.
જન વિકલ્પ સરકાર બનશે તો શિક્ષિત બેરોજગારોને ૧૦૦ દિવસમાં નોકરી અથવા બેરોજગારી ભથ્થાનો ચેક આપવાનો વાયદો કર્યો છે. જન કલ્યાણ અને સ્વસ્થ સમાજ માટે કૅડેટ કામ હાથ ધરવામાં આવશે, ગૃહિણીઓને ઘરનાં ઘર આપવામાં આવશે, શિક્ષણની ફીનું ભારણ ઓછું કરવા સહિતની નાગરિકોને સીધી જ સ્પર્શતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની દિશામાં જન વિકલ્પ કામ કરવા ઇચ્છી રહ્યો છે.