અતિશય ઊંઘથી બચો: 9 કલાકથી વધુ ઊંઘવાથી વધે છે મૃત્યુનો ખતરો
સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પણ એક મર્યાદા બાદ વધુ ઊંઘ પણ નુકસાનકારક બની શકે છે. તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે જો કોઈ વ્યક્તિ રોજ 9 કલાકથી વધુ ઊંઘે છે, તો તેની મૃત્યુની શક્યતા સામાન્યની તુલનામાં 34% જેટલી વધી જાય છે. બીજી બાજુ, ઓછામાં ઓછી 7-8 કલાક ઊંઘ જરૂરી છે, કારણ કે ઓછી ઊંઘ પણ શરીર પર ઘાતક અસર કરે છે.
એક અધ્યયન મુજબ 7 કલાકથી ઓછી ઊંઘ લેતા લોકોમાં બ્લડ પ્રેશર, શુગર, થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તેમજ આવા લોકોમાં મૃત્યુનું જોખમ આશરે 14% વધી જાય છે. આથી, ઊંઘના કલાકોમાં સંતુલન જરૂરી છે.
આજના આધુનિક જીવનશૈલીમાં મોટાભાગના લોકો રાત્રે ૧૧ વાગ્યા પછી સૂવે છે અને ૮૮% લોકો રાત્રે ઊંઘ દરમિયાન એકથી વધુ વાર જાગે છે. ૩૫% લોકો જ ૮ કલાકની પૂરી ઊંઘ લઈ શકે છે. અનિદ્રાની સમસ્યા દેશના દર ચોથી વ્યક્તિમાં જોવા મળે છે.
ઊંઘનો અભાવ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.
૧૮ થી ૩૬ કલાક સુધી ઊંઘના અભાવે ચિડચિડાપણું, એકાગ્રતાની અછત અને નિર્ણયક્ષમતા ઘટે છે. ૪૮ કલાકથી વધુ ઊંઘ વિના રહીએ તો વ્યક્તિ તણાવ, ચિંતા, ગુસ્સો અને નકારાત્મક વિચારોથી ઘેરાય છે.
ઊંઘના અભાવથી ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર, કેન્સર જેવી ગંભીર બિમારીઓનું જોખમ વધી શકે છે. ઓછી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. કુદરતી કોષોની સંખ્યા ઘટી જાય છે અને ચેપની શક્યતાઓ વધી જાય છે.
મોટું સત્ય એ છે કે ઊંઘ કોઈ શોખ નથી – તે શરીર માટે જીવનશક્તિ માટે પ્રણાલી છે. સારી ઊંઘથી જ શરીર અને મન સુખદ અને તંદુરસ્ત રહી શકે છે. એટલે જ, ઊંઘમાં માત્ર સમય નહીં પરંતુ ગુણવત્તા પણ મહત્વ ધરાવે છે.