ગુજરાત રાજ્યનાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમ્યાન આવેલા વિનાશક પૂરમાં ભોગ બનેલા લોકો માટે સમગ્ર રાજ્યમાંથી આર્થિક અને સાધન સહાય મદદનો પ્રચાર કરી રહ્યો છે. ત્યારે પારડી તાલુકાના કોલક ગામના અને માછીમારો ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ જીતેન્દ્ર ટંડેલની રાહબરી હેઠળ કુલ રૂ.૧.૫૧ લાખનો ચેક વલસાડના કલેકટર સમક્ષ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી માનવ સેવાને ઉજાગર કરી છે.
કોલક માછી મહાજન પંચના પ્રમુખ અમ્રતભાઇ ટંડેલે જણાવ્યું હતું કે સાગરખેડુઓ દ્વારા ચાલતા ગણપતિ મંડળ તરફથી ગામમાંથી લોકફાળો ઉઘરાવી રૂ.૯૫,૦૫૦ ની રકમ પૂર પીડીતો માટે અર્પણ કરી છે. જ્યારે કોલક સિમેન્ટ મંડળના પ્રમુખ બળવંતભાઇ દુલાવાળાઓ તેમની સોસાયટી તરફથી રૂ. ૨૬૫૦૧ અને કોલકના માછીમારોની ક્રેડીટ સોસાયટીના પ્રમુખ કાન્તીભાઇ ચીખલીવાળાએ તેમની સોસાયટી તરફથી રૂ.૨૬,૫૦૦ અને માછી અગ્રણી કોલકના માછીમારોના પ્રતિનિધિ મંડળે જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્ર ટંડેલના નેતૃત્વ હેઠળ કલેકટર સી.આર.ખરસાણને એનાયત કર્યો હતો. કલેકટર ખરસાણે સરકારવર્તી પૂર પીડીતોને મદદ કરવાના કાર્યને બિરદાવી આભારની લાગણી વ્યકત કરી હતી.