બાળકોની સુરક્ષા માટે સીબીએસઈએ ગાઈડલાઈન જાહેર કર્યા બાદ તેનો અમલ કરાવવા ઉપરાંત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી સપ્તાહે શાળાઓ માટે નવી સુરક્ષા ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.નવી ગાઈડલાઈન મુજબ ૧૫મી ઓક્ટોબર બાદ સીબીએસઈ સહિત રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે. જે શાળાઓ ગાઈડલાઈન મુજબની સુરક્ષા નહીં ધરાવતી હોય તે શાળાઓની માન્યતા રદ્દ કરવા સુધીના પગલા લેવામાં આવશે.
નવી ગાઈડલાઈન મુજબ શાળામાં આવતા બાળકોને લાવવા-લઈ જતા ખાનગી વાહનો જેવા કે રીક્ષા કે વાનમાં વધુ સંખ્યા ન ભરાય તે જોવાની જવાબદારી પણ શાળા સંચાલકની રહેશે. તેમજ સંજોગોવશાત વાન કે રીક્ષામાં વધુ બાળકો બેઠેલા જોવા મળે તો તે અંગે સંચાલકે આરટીઓને તરત જ જાણ કરવાની રહેશે.
નવી ગાઈડલાઈન જે રીતે તૈયાર થઈ રહે છે તે મુજબ શાળામાં ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ પણ રાખવા પડશે. ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલ વ્યક્તિને નોકરીમાં રાખી શકાશે નહીં. તેમજ શાળા પરિસરનો ૧૦૦ ટકા હિસ્સો સીસીટીવી સર્વેલન્સમાં રાખવો પડશે. તેમજ શાળાના મુખ્ય દરવાજે જરુરી લાગે તો મેટલ ડિટેક્ટર લગાવવા. એટલુ જ નહીં તમામ શાળા વર્ગ-૪ના કર્મીઓ માટે અલગ ટોઈલેટ અને વોશરુમ બનાવવાનુ રહેશે.
તમામ સ્કુલ બસમાં સીસીટીવી અને જીપીએસ સિસ્ટમ ફરજિયાત અને એક મહિલા કર્મચારી બસમાં રાખવા ફરજિયાત રાખવા આદેશ આપી શકાય છે.જોકે સીબીએસઈ ખાનગી શાળાઓએ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગાઈડલાઈન મુજબના પગલા લેવાના શરુ કરી દીધા છે. પરંતુ રાજ્ય સરકારે પગલા નહીં ભરતા વાલીઓનું દબાણ વધતા તાત્કાલિક નવી સુરક્ષા ગાઈડલાઈન તૈયાર કરવાની વિભાગને ફરજ પડી છે. જોકે ગાઈડલાઈન જાહેર થયા બાદ પણ તેનો અમલ ક્યારે અને કેટલો થશે તે જોવાનુ રહેશે.