ત્રીજા મોરચાના ઉમેદવારો સાચા જનપ્રતિનિધિ હશેઃ વડોદરામાં મીડીયા સાથે વાતચીતઃ આજે બાપુ ધનસુરા, મોડાસા, શામળાજી, હિંમતનગર અને જુનાગઢની મુલાકાતે
ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન શ્રી શંકરસિંહ વાઘેલાએ કાલે ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શન કરીને તેમના બીજા દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ફાગવેલ ખાતે ઉપસ્થિત મોટી જનમેદનીને તેમણે સંબોધન કર્યુ હતુ અને શાસક અને વિરોધ પની પ્રજા વિરોધી નીતીઓની આકરી ટીકા કરી હતી. ફાગવેલથી નીકળીને બાપુએ ડાકોર ખાતે રણછોડરાયના આશીર્વાદ લઇને હાલોલ ખાતે પાવાગઢ માતાજીના દર્શન કર્યા હતા.
પાવાગઢ ખાતે તેમણે સ્થાનીક લોકો સાથે ચર્ચા કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે સ્થાનીક નેતાઓ સાથે પણ આગામી વિધાનસભાની ચુંટણી સંદર્ભે ચર્ચા કરી હતી. અહીથી તેઓ બોડેલી પહોંચ્યા હતા. જયાં આદીજાતી બંધુઓએ પરંપરાગત નૃત્ય સાથે ફુલહારથી બાપુનું સ્વાગત કર્યુ હતું. બોડેલીમાં તેમના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકારની નીતીઓનો વિરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓના હકો છીનવી રહી છે અને તેમને અન્યાય કરી રહી છે.ભાજપ અને કોંગ્રેસ બંન્ને માત્ર વાયદા જ કરી રહી છે અને તેઓ લોકોની સમસ્યાને ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહયા છે. આ સંજોગોમાં ત્રીજો વિકલ્પ એટલે કે જન વિકલ્પ મોરચાને લોકો મોટી સંખ્યામાં મત આપીને જીત અપાવે તે જરૂરી છે. જન વિકલ્પ મોરચાના ઉમેદવાર સાચા જન પ્રતિનિધિ હશે તેવી તેમણે ખાતરી આપી હતી. બીજા દિવસની સાંજે તેમણે વડોદરામાં પત્રકારો સાથે વાત કરી હતી અને આગમી કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી.
આજે બાપુ ધનસુરા, મોડાસા, શામળાજી, હિંમતનગર, જુનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે.