ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોનાનો રીતસર વિસ્ફોટ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 91 હજાર 459 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,540ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 14 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,283 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.05 ટકાથી ઘટીને 90.99 ટકા થયો છે.
રાજ્યમાં 14,287 એક્ટિવ કેસ, 96 વેન્ટીલેટર પર, કુલ કેસ 2 લાખ 1 હજાર 949
રાજ્યમાં અત્યાર સુધીમાં 74 લાખ 80 હજાર 789 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 1 હજાર 949ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,906એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 83 હજાર 756 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,287 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,287 દર્દીની હાલત સ્થિર છે.